માર્ચ ૨૦૧૭ના અંતે બ્રેક્ઝિટના અમલનો આરંભ થશેઃ થેરેસા મે

Monday 03rd October 2016 12:37 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં તમામ અટકળોનો અંત લાવીને યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર જવાની પ્રક્રિયાનો આરંભ માર્ચ, ૨૦૧૭ના અંતથી થઇ જશે તેવી જાહેરાત કરી છે. મેએ લિસ્બન ટ્રિટીની કલમ ૫૦ હેઠળ બ્રેકઝિટને સમર્થન આપ્યું હતું આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરથી બ્રેકઝિટનો સમયગાળો બે વર્ષનો રાખવામાં આવ્યો હતો. સિંગલ માર્કેટની સુવિધા કરતા પણ ઈમિગ્રેશન મુદ્દે નિયંત્રણ હાંસલ કરવું વધુ મહત્ત્વપૂર્ણ ગણાશે તેમ કહેતાં મેએ ‘હાર્ડ બ્રેક્ઝિટ’ તરફનો ઝોક દર્શાવ્યો છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે બ્રેક્ઝિટના ટાઈમટેબલની જાહેરાતને આવકારી હતી.

મે હાર્ડ બ્રેક્ઝિટ તરફ જઈ કહ્યાં છે તે મોટુ આશ્ચર્ય નથી. સિંગલ માર્કેટનું સભ્યપદ જાળવવાને મહત્ત્વ અપાય તેને ‘સોફ્ટ બ્રેક્ઝિટ’ ગણાય છે પરંતુ, થેરેસા મેએ પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં ઝંપલાવ્યું ત્યારથી જ સિંગલ માર્કેટ કરતા ઈમિગ્રેશન અંકુશને પ્રાધાન્ય આપવાના સંકેતો આપ્યાં છે. જોકે, બ્રેક્ઝિટ સોદાબાજીની રુપરેખા તબક્કાવાર બહાર આવશે.

વડા પ્રધાને જ્યારે સંસદની કાર્યવાહી શરૂઆત થાય ત્યારે ક્વીનના આગામી સંબોધનમાં 'ગ્રેટ રિપીલ બિલ'નું પણ વચન આપ્યું હતું. અનેક નિષ્ણાતોની અટકળ એવી હતી કે બ્રેક્ઝિટ પ્રક્રિયા મે મહિનામાં યોજાનારી ફ્રેન્ચ પ્રમુખની ચૂંટણી સુધી મોકુફ રખાશે અને ૨૮ દેશોના વેપાર બ્લોકમાંથી બ્રિટનને અળગા રાખવાના કાયદાને પણ રદ કરાશે તેમજ ૨૩ જુનના રેફરન્ડમના પગલે યુરોપિયન કોમ્યુનિટીઝ એક્ટ ૧૯૭૨ને પણ દૂર કરાશે. '

બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ સોદાના હિસ્સારુપે બ્રિટન પાસે પોતાની સરહદો પર અંકુશની સત્તા હોવી જ જોઈએ. તેમણે કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જ્યારે વાટાઘાટો કરાશે ત્યારે અમે અહીં ઈયુ નાગરિકોના અધિકારનું રક્ષણ કરીશું, જ્યાં સુધી યુરોપમાં બ્રિટિશરો સાથે આવો વ્યવહાર થશે. આ માટે ચોક્કસ સહમતિ મળવાની મને આશા છે. જે લોકોએ બ્રિટનને પોતાનું ઘર બનાવ્યું છે તેમના તરફ તિરસ્કાર અને ભેદભાવ દાખવતા લોકોને મારે એટલું જ કહેવાનું છે કે તેમના માટે અમારા સમાજમાં કોઈ સ્થાન નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter