માર્ચમાં ફુગાવાનો દર 3.4 ટકા, છેલ્લા અઢી વર્ષની નીચી સપાટી પર

જોકે મોંઘવારી બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2 ટકાના લક્ષ્યાંક કરતા ઘણી વધુ

Tuesday 23rd April 2024 10:52 EDT
 

લંડનઃ વડાપ્રધાન સુનાક માટે મોટી રાહત સમાન ફુગાવાનો દર છેલ્લા અઢી વર્ષની નીચી સપાટી પર નોંધાયો છે. કેટલાક ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઘટાડાને પગલે માર્ચ મહિનામાં ફુગાવાનો દર 3.2 ટકા નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં ફુગાવાનો દર 3.4 ટકા રહ્યો હતો. જો કે હજુ ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2 ટકાના લક્ષ્યાંક કરતાં ઘણો વધુ છે. 2022માં ફુગાવાનો દર 11.1 ટકા પર પહોંચી ગયો હતો. જોકે ફુગાવાનો દર ઘટ્યો છે તેનો અર્થ એ નથી કે કિંમતોમાં ઘટાડો થયો છે. કિંમતો વધવાની ગતિમાં જરૂર ઘટાડો નોંધાયો છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી અને માર્ચમાં ખાદ્યપદાર્થોની કિંમતો હળવી બની હતી. માંસની કિંમતમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે બ્રેડ અને સિરિયલ્સની કિંમતમાં વધારો થયો હતો.

માર્ચ મહિનામાં ફર્નિચર અને ક્લિનિંગ પ્રોડક્ટ્સની કિંમતોમાં 0.9 ટકાનો ઘટાડો  થયો હતો. જોકે ફુગાવાના દરમાં ઘટાડો થયાં છતાં દુકાનોમાં માલસામાનની કિંમતો હજુ ઘણી ઉંચી જણાઇ રહી છે. ઓએનએસના ચીફ ઇકોનોમિસ્ટ ગ્રાન્ટ ફિત્ઝનરે જણાવ્યું હતું કે, ગયા મહિનામાં ઇંધણોની કિંમતમાં વધારાના કારણે નીચી કિંમતો શક્ય બની નથી. ફેબ્રુઆરી-માર્ચમાં પેટ્રોલની કિંમતમાં 2.6 પેન્સ અને ડીઝલની કિંમતમાં 2.8 પેન્સ પ્રતિ લિટરનો વધારો થયો હતો.

હાલ વ્યાજદરમાં ઘટાડાની સંભાવના નહીંવત

વેપાર અને ઉદ્યોગજગતનું માનવું છે કે ફુગાવાના દરમાં ધારણા પ્રમાણેનો ઘટાડો ન થતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં આ વર્ષે માંડ એકવાર ઘટાડો કરાય તેવી સંભાવના છે. મની માર્કેટે સંકેત આપ્યાં છે કે નીતિ ઘડવૈયાઓ વ્યાજદરમાં ઘટાડો કરતાં પહેલાં નવેમ્બર સુધી રાહ જૂએ તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter