લંડનઃ રોયલ મેઇલના માલિક બદલાયા છતાં તેના ડિલિવરી ધાંધિયા યથાવત રહ્યાં છે. ચેક બિલિયોનર ડેનિયલ ક્રેતિન્સ્કીના ઇપી ગ્રુપ દ્વારા એપ્રિલ મહિનામાં રોયલ મેઇલની ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસનું 3.6 બિલિયન પાઉન્ડમાં ટેક ઓવર કરાયું હતું. પ્રાપ્ત થયેલા આંકડડા અનુસાર રોયલ મેઇલ ફર્સ્ટ ક્લાસ મેઇલની ડિલિવરીના લક્ષ્યાંક પૂરાં કરી શકી નથી.
કંપનીએ જણાવ્યું હતું કે, જૂન સુધીના 3 મહિનામાં તેણે મેઇલ મળ્યાના એક વર્કિંગ ડેમાં 75.9 ટકા ફર્સ્ટ ક્લાસ મેઇલની ડિલિવરી કરી હતી. ઓફકોમ દ્વારા રોયલ મેઇલને ફર્સ્ટ ક્લાસ મેઇલની ડિલિવરી માટે 93 ટકાનો લક્ષ્યાંક અપાયો છે. આજ સમયગાળામાં રોયલ મેઇલ દ્વારા 89.3 ટકા સેકન્ડ ક્લાસ મેઇલની ડિલિવરી કરાઇ હતી. ઓફકોમનો સેકન્ડ ક્લાસ મેઇલની ડિલિવરી માટેનો ટાર્ગેટ 98.5 ટકા છે.
રોયલ મેઇલે જણાવ્યું હતું કે, તે 3 વર્કિંગ ડેમાં 97 ટકા ફર્સ્ટ ક્લાસ મેઇલ ડિલિવર કરી શકી છે. વચગાળાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જેમી સ્ટિફનસને જણાવ્યું હતું કે, પોસ્ટની સમયસર ડિલિવરી ગ્રાહકોની સાથે સાથે અમારા માટે પણ મહત્વની છે. આ માટે જરૂરી પગલાં અમે લઇ રહ્યાં છીએ.
ગયા મહિને ઓફકોમે રોયલ મેઇલને સેકન્ડ ક્લાસ મેઇલની શનિવારે થતી ડિલિવરી બંધ કરવાની અને સોમથી શુક્રમાં આંતરા દિવસે ડિલિવરી કરવાની પરવાનગી આપી હતી.
રોયલ મેઇલે અમેરિકામાં થતી પાર્સલ ડિલિવરી પર રોક લગાવી
ઓગસ્ટના અંતથી પોસ્ટમાં મોકલાતા પાર્સલ પર કેટલો ટેરિફ લાગુ થશે તે મુદ્દે પ્રવર્તતી મૂંઝવણને પગલે રોયલ મેઇલે અમેરિકામાં કરાતી ડિલિવરી પર રોક લગાવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને આદેશ જારી કર્યો હતો કે ઓછા મૂલ્યના પાર્સલો પર અપાતી ટેક્સ મુક્તિનો 29 ઓગસ્ટથી અંત આવી જશે. જોકે 100 ડોલર કરતા ઓછા મૂલ્યના પાર્સલ પરની ટેક્સ મુક્તિ યથાવત રહેશે પરંતુ તેનાથી વધુ મૂલ્યના પાર્સલ પર જે તે દેશ પર લાગુ કરાયેલા ટેરિફ અનુસાર ટેક્સની વસૂલાત કરાશે.


