લંડન, નવી દિલ્હીઃ રવિવાર ૧૪ જુલાઈએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઈનલ મેચ અગાઉ વિશ્વકપમાંથી બહાર થઈ ચુકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમના બેટ્સમેન ક્રિસ ગેલનું સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ થયું હતું. હકીકતે ક્રિસ ગેલનો ભાગેડુ લિકર કિંગ બિઝનેસમેન વિજય માલ્યા સાથેનો ફોટો સામે આવ્યા બાદ ટ્રોલિંગની શરૂઆત થઈ હતી અને લોકોએ તેમને ખૂબ ખરું-ખોટું સંભળાવ્યું હતું.
ક્રિસ ગેલે ટ્વિટર પર વિજય માલ્યાને ગળે મળતો હોય તેવો એક ફોટો શેર કર્યો હતો અને ‘બિગ બોસ વિજય માલ્યાને મળીને ઘણું સારૂં લાગ્યું. રોકસ્ટાર’ તેવું કેપ્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ક્રિસ ગેલ અનેક વર્ષો સુધી આઈપીએલમાં વિજય માલ્યાની માલિકીની રોયલ ચેલેન્જર્સ બેંગાલુરૂ ટીમ સાથે જોડાયેલા રહ્યા હતા. આ ફોટાને કારણે લોકો ક્રિસને ટ્રોલ કરવા લાગ્યા હતા અને એક વ્યક્તિએ તો ક્રિસ ગેલને પોતાના બેંક ખાતાની વિગતો માલ્યા સાથે શેર ન કરવા માટે અને લોન લેવાની ભૂલ ન કરવા માટેની સલાહ પણ આપી દીધી હતી.
અન્ય એક વ્યક્તિએ માલ્યાને 'બોસ' કહેવા મુદ્દે ક્રિસ ગેલનો ઉધડો લીધો હતો અને માલ્યા ભારતમાંથી ૯,૦૦૦ કરોડ રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર છે તે યાદ અપાવ્યું હતું. જોકે, વિજય માલ્યાએ આ ટ્રોલિંગના જવાબમાં એક ટ્વિટ કરીને તમામની બોલતી બંધ કરી દીધી હતી. માલ્યાએ પોતાને ચોર કહેનારા લોકોને બેંકમાં જઈને પોતે છેલ્લા એક વર્ષથી જે પૈસા આપવા માંગે છે તે બેંક સ્વીકારી લે તેમ કહેવા જણાવ્યું હતું અને પછી કોણ ચોર છે તે નક્કી કરવા સલાહ આપી હતી.