લંડનઃવેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ગુરુવારે ભારતમાં બેન્કોની ૯૦૦૦ કરોડ રૂપિયાની લોનના ડિફોલ્ટર વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસના મામલે પ્રિ-ટ્રાયલ સુનાવણી માટે ૨૦ નવેમ્બર નિર્ધારિત કરી છે. માલ્યા હાલમાં જામીન પર મુક્ત છે અને ૪ ડિસેમ્બરે કેસની સુનાવણી શરૂ થાય ત્યાં સુધી કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ અપાઈ છે.
માલ્યાની લીગલ ટીમે જણાવ્યું હતું કે તેમણે પુરાવાના જવાબ આપવા છ તજજ્ઞોની યાદી આપી છે જેમાં, ભારતના વકીલો સહિત એરલાઇન્સ, બેન્કિંગ, રાજનીતિ અને કાયદાના તજજ્ઞો છે. જોકે, ભારત સરકાર વતી દલીલ કરતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે બચાવપક્ષ દ્વારા અપાયેલા દસ્તાવેજોની ફિઝિકલ લેખિત નકલ સામે નારાજગી દર્શાવી હતી. તેમણે કહ્યું કે આ દસ્તાવેજો ભારત મોકલવાના હોય છે અને આટલી સંખ્યામાં કાગળો સ્કેન કરવામાં તેમનું એક અઠવાડિયું બગડ્યું છે.