માલ્યાની ભારતને સોંપણી મુદ્દે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નહિઃ બ્રિટન

Friday 31st July 2020 06:17 EDT
 
 

નવી દિલ્હી/લંડનઃ ભારતીય બેન્કોના ૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ ધરાવતા ભાગેડૂ આરોપી વિજય માલ્યાને ક્યારે ભારતને સોંપવામાં આવશે તે હજુ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. બ્રિટિશ હાઇ કમિશ્નર સર ફિલિપ બાર્ટને ૨૩ જુલાઈ ગુરુવારે કહ્યું કે બ્રિટિશ સરકાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે સમયસીમા નિર્ધારિત ન કરી શકે. આમ છતાં, ગુનેગાર દેશની બોર્ડર ક્રોસ કરીને કાયદાથી બચી ન જાય તેની ખાતરી કરીશું

ઉલ્લેખનીય છે કે માલ્યાએ બ્રિટનમાં રાજકીય આશ્રય માગ્યો હોવાથી તેનું ભારતને પ્રત્યર્પણ છેલ્લી ઘડીએ અટકી ગયું હતું. આ સંદર્ભે ભારતે ગત મહિને બ્રિટનને માલ્યા શરણ માગે તો તેના પર કોઈ વિચાર નહિ કરવા અનુરોધ કરવા સાથે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં તેના પર અત્યાચાર ગુજારવામાં આવશે તેના કોઇ આધાર નથી. ભારતમાં તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે પૂરતા કારણો છે. માલ્યાએ યુરોપિયન યુનિયનના માનવાધિકારોની આડશ લઈ તેના ભારતને પ્રત્યર્પણ વિરુદ્ધ કરેલી અરજીઓ યુકેની સુપ્રીમ કોર્ટે  મે મહિનામાં ફગાવી દીધી હતી.

બ્રિટિશ હાઇ કમિશ્નર સર બાર્ટને કહ્યું હતું કે બ્રિટિશ સરકાર અને કોર્ટ તેમની ભૂમિકાથી પરિચિત છે. અમે એ નિર્ધારિત કરીએ છીએ કે ગુનેગાર દેશની સીમાઓ પાર કરીને ન્યાયપ્રક્રિયાથી ભાગી ન જાય. માલ્યાનું પ્રત્યર્પણ એક કાયદાકીય કેસ છે, જે ચાલી રહ્યો છે. બ્રિટનની સરકાર પાસે તે અંગે કંઇ નવું કહેવા જેવું નથી. સરકારને એ પણ ખબર છે કે ભારત માટે આ કેસ કેટલો અગત્યનો છે. બ્રિટને અગાઉ પણ કહ્યું હતું કે માલ્યાના પ્રત્યર્પણ પહેલા ઘણા કાયદાકીય મુદ્દાઓનો નિવેડો આવે તે જરૂરી છે. માલ્યાએ બ્રિટનમાં આશ્રય માગ્યો હોવાના પ્રશ્નના ઉત્તરમાં બાર્ટને કહ્યું કે તેમની સરકાર આ પ્રકારના મુદ્દાઓ અંગે ટિપ્પણી કરતી નથી. બ્રિટિશ સરકાર અને કોર્ટ તેમની ભૂમિકાઓ અંગે બિલકુલ સ્પષ્ટ છે. દેવાળું ફૂંકનારી કિંગફિશર એરલાઈન્સનો માલિક માલ્યા માર્ચ ૨૦૧૬માં લંડન ભાગી ગયો હતો. પ્રત્યર્પણ વોરન્ટ પર એપ્રિલ ૨૦૧૭માં લંડનમાં ધરપકડ પછી, તેને જામીન પર મુક્ત કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter