લંડનઃ કથિત બુકી સંજીવ કુમાર ચાવલાને ભારતને સોંપવાના વિરૂદ્ધમાં નીચલી કોર્ટે આપેલો નિર્ણય લંડન હાઈ કોર્ટે રદ કરી દીધો છે. તિહાર જેલની ખરાબ પરિસ્થિતિઓ અને નબળી સુરક્ષા વિશે ચાવલાની દલીલો હાઈ કોર્ટે ફગાવી દીધી છે, જેની અસર ભારતીય બેન્કો સાથે છેતરપીંડી આચરનારા ભાગેડું લિકર બેરન વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસ પર પણ પડી શકે છે.
લંડન હાઈ કોર્ટે કહ્યું કે, ‘નવી દિલ્હીની તિહાર જેલમાં સુરક્ષા સ્થિતિ અંગે ભારત સરકારના આશ્વાસનથી તેઓ સહમત છે.’ આ સાથે જ ડિસ્ટ્રિક્ટ જજને તેના વિરૂદ્ધ પ્રત્યાર્પણ કાર્યવાહી ફરી શરુ કરવાના નિર્દેશ આપ્યાં છે. નીચલી અદાલતે તિહાર જેલની સુરક્ષા પર સવાલ ઉઠાવી ચાવલાના પ્રત્યાર્પણ પર રોક લગાવી દીધી હતી. હાઈ કોર્ટના ચુકાદાના પગલે બેંક સાથે છેતરપિંડી કરનાર આરોપી વિજય માલ્યાનું પ્રત્યાર્પણ આસાન થશે તેવી આશા છે.
માલ્યાએ જુલાઈમાં બ્રિટનની કોર્ટમાં સુનાવણી દરમિયાન તિહારની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યાં હતા. તેણે કહ્યું હતું કે પુણેની આર્થર રોડ જેલના ૧૨ નંબર બેરેકમાં પર્યાપ્ત પ્રાકૃતિક પ્રકાશ પણ નથી. જે બાદ કોર્ટે ભારતીય અધિકારીઓને બેરેકના વીડિયો રેકોર્ડિંગની માગ કરી હતી.
લંડન હાઈ કોર્ટે ક્રિકેટ મેચ ફિક્સિંગના મામલાની સુનાવણી દરમિયાન નીચલી કોર્ટનો ચુકાદો ફેરવ્યો છે. નીચલી અદાલતે બુકી સંજીવ કુમાર ચાવલાના પ્રત્યાર્પણની કાર્યવાહી રોકી હતી. ચાવલા પર ક્રિકેટ મેચના ફિકસિંગનો આરોપ છે. ગત વર્ષે તેણે પોતાના પ્રત્યાર્પણ વિરૂદ્ધ કેસ જીત્યો હતો. વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ મામલો બને છે, પરંતુ તિહાર જેલમાં તેના માનવાધિકારને સુનિશ્ચિત ન કરી શકાય.