લંડનઃ પ્લાનિંગ પરમિશન મળવાની કોઈ શક્યતા ન હોય તેવી ગ્રીન બેલ્ટની જમીન લોકોને વેચનારા જમીનમાલિકોએ હવે જમીન ખરીદનારા લોકોને હજારો પાઉન્ડ પરત ચૂકવવા પડે તેવી શક્યતા છે. ચેનલ આઈલેન્ડ્સમાં રહેતા કેનેડિયન વ્યક્તિ બેરન ડેશોરનો તાજેતરમાં હાઈકોર્ટમાં એક ચૂકાદા સામેની અપીલમાં પરાજય થયો હતો. આ ચૂકાદામાં બેરોનની ગર્નસેસ્થિત કંપની ટેરાકોર્પને જે રસ્તા અને માળખાકીય સુવિધાઓ અસ્તિત્વમાં જ ન હતી તેની જાળવણી માટે ૧૮૦ પ્લોટ ધારકો પાસેથી ચાર્જની વસૂલાત બંધ કરવા આદેશ અપાયો હતો.
આ ચૂકાદાને લીધે જે લોકોએ તેની પાસેથી જમીન ખરીદી હતી અને તેમણે જે નાણા ચૂકવ્યા હતા તે પાછા મેળવવા માટેનો માર્ગ મોકળો થયો છે. ઘણાં લોકોએ તો ૨૦૧૨થી નાણા ચૂકવ્યા હતા. જમીન ખરીદનારા લોકોનું કહેવું હતું કે હર્ટફર્ડશાયર, કેન્ટ, એસેક્સ, બકિંગહામશાયર, સરે અને નોટિંગહામશાયરમાં આવેલી ડેશોરની કંપનીઓના નેટવર્કની માલિકીના એક એકરના પ્લોટ માટે તેમણે ૧૦,૦૦૦થી ૩૦,૦૦૦ પાઉન્ડ ચૂકવ્યા હતા. તેમના દાવા મુજબ સેલ્સમેનોએ તેમને કહ્યું હતું કે પાંચ વર્ષ પછી આ જમીન પર મકાનો માટે પ્લાનિંગ પરમિશન મળશે અને પ્લોટની કિંમતમાં ૨૦ ગણો વધારો થશે.
પ્લોટધારકોએ કેટલાંક વર્ષોમાં હપ્તે હપ્તે જમીન માટેની કિંમત ચૂકવી દીધી તે પછી તેમની પાસેથી રસ્તા અને અન્ય સુવિધાની જાળવણી માટે દર વર્ષે ૩૦૦ પાઉન્ડનો કોવેનન્ટ ચાર્જ વસૂલાતો હતો. તે જમીન પર કોઈ રસ્તા ન હતા કે કોઈ બાંધકામ પણ થયું ન હતું તેથી તાજેતરમાં જ ડેશોર સામે લડત આપતા ગ્રૂપનો કાનૂની વિજય થયો હતો.
નોર્થવેસ્ટ લંડનના વેમ્બલીના બિઝનેસ એનાલિસ્ટ ૬૨ વર્ષીય કુસુમ થાનકી આ કેસ કરનારા લેન્ડ બેંકિંગ વિક્ટીમ્સ એસોસિએશનના કો-ઓર્ડિનેટર છે. તેમણે ૨૦૦૨માં બકિંગહામ શાયરના ગ્રેટ મિસેન્ડનમાં ગ્લેનરિજ એસ્ટેટ્સની જમીનના પ્લોટ માટે ૨૪,૦૦૦ પાઉન્ડ ચૂકવ્યા હતા.