લંડનઃ માસ્ટરકાર્ડ દ્વારા ગત ૧૬ વર્ષમાં ક્રેડિટ કાર્ડધારકો પાસેથી અયોગ્યપણે ઊંચી ફી વસૂલવાના મુદ્દે ૧૪ બિલિયન પાઉન્ડનો કોર્ટ ક્લેઈમ ફાઈનાન્સિયલ સર્વિસીસના પૂર્વ ઓમ્બ્ડસમેન વોલ્ટેર મેરિક્સ દ્વારા કરવામાં આવ્યો છે. જો ક્લેઈમ સફળ થશે તો ૪૦ મિલિયન બ્રિટિશ ક્રેડિટ કાર્ડધારકોને લાભ થશે એટલે કે પ્રત્યેક કાર્ડધારકને ૪૫૦ પાઉન્ડ મળશે.
દાવામાં આક્ષેપ લગાવાયો છે કે કંપનીએ ૧૯૯૨થી ૨૦૦૮ના ગાળામાં રીટેઈલર્સ માટે દંડાત્મક ટ્રાન્ઝેક્શન ફી લાદી હતી, જે ગ્રાહકો પાસેથી વસૂલ કરાઈ હતી. આ ગાળા દરમિયાન પોતાની ખરીદી માટે માસ્ટરકાર્ડના ક્રેડિટ કાર્ડ અથવા કેશ, ચેક અથવા ચુકવણીની કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરનારા અને હાલ યુકેમાં રહેતા તમામ કાર્ડધારકો આપમેળે જ ક્લેઈમનો ભાગ બની જશે. જોકે, માસ્ટરકાર્ડ દ્વારા ક્લેઈમના આધાર અંગે અસંમતિ દર્શાવી કાનૂની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

