માસ્ટરકાર્ડ સામે કાનૂની કાર્યવાહીઃ બ્રિટિશરોને વળતરની શક્યતા

મેરિક્સના દાવામાં ડેમેજીસ અને વ્યાજ થઈને કુલ ૧૪.૦૯૮ બિલિયન પાઉન્ડની માગણી

Wednesday 24th April 2019 03:08 EDT
 
 

લંડનઃ માસ્ટરકાર્ડ કંપની વિરુદ્ધ સામૂહિક કાનૂની કાર્યવાહીમાં સફળતા મળશે તો બ્રિટનના લગભગ તમામ પુખ્ત લોકોને ૩૦૦ પાઉન્ડનું વળતર મળવાની શક્યતા છે. પૂર્વ ફાઈનાન્સિયલ ઓમ્બ્ડ્સમેન વોલ્ટર મેરિક્સ યુકેના અંદાજે ૪૬.૨ મિલિયન લોકો વતી કાર્ડ જાયન્ટ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીનો પ્રયાસ કરી રહ્યા છે. માસ્ટરકાર્ડ વિરુદ્ધ ૨૦૦૭માં કોમ્પિટિશન લોનો ભંગ કરાયાનું યુરોપિયન કમિશનની જાણમાં આવ્યું હતું. વધુપડતા ટ્રાન્ઝેશન ચાર્જના પરિણામે, યુકેના ગ્રાહકોએ ૧૬ વર્ષના ગાળામાં માસ્ટરકાર્ડ સ્વીકારતા બિઝનેસીસ પાસેથી ખરીદીમાં ઊંચી કિંમત ચૂકવવી પડી હતી.

કોર્ટ ઓફ અપીલના લેન્ડમાર્ક ચુકાદાના પરિણામે કોર્પોરેશન વિરુદ્ધ ૧૪ બિલિયન પાઉન્ડના ડેમેજીસનો ક્લેઈમ ફરીથી ઉખેળાશે. મેરિક્સની સૂચિત સામૂહિક કાર્યવાહીની અરજને સ્પેશિયાલિસ્ટ ટ્રિબ્યુનલે જુલાઈ ૨૦૧૭માં ફગાવી દીધી હતી. જોકે, મંગળવાર ૧૬ એપ્રિલે વરિષ્ઠ જજીસ લોર્ડ જસ્ટિસ પેટન, લોર્ડ જસ્ટિસ હેમ્બ્લેન અને લોર્ડ જસ્ટિસ કોલસનને જણાયું હતું કે કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલે (CAT) આ દાવાને આગળ જવા દેવો કે નહિ તેનો નિર્ણય લેવામાં ખોટી કાનૂની પરીક્ષાને કામે લગાવી હતી.

હવે આ અરજી પુનર્વિચાર માટે CAT પાસે જશે. મેરિક્સના દાવામાં ડેમેજીસ અને વ્યાજ થઈને કુલ ૧૪.૦૯૮ બિલિયન પાઉન્ડની માગણી કરાઈ છે. યુકેમાં ૨૦૧૫માં ક્લાસ એક્શન નિયમ દાખલ કરાયા પછી સામૂહિક ગ્રાહક ક્લેઈમ્સમાં આ દાવો એક છે. સૂચિત દાવામાં જે વ્યક્તિ ૧૬ વર્ષથી વધુની હોય અને ૧૯૯૨થી ૨૦૦૮ દરમિયાન ઓછામાં ઓછાં ત્રણ મહિના યુકેમાં રહી હોય તેમજ માસ્ટરકાર્ડ સ્વીકારતા બિઝનેસીસમાંથી ખરીદી કરી હોય તેનો દાવેદાર તરીકે સમાવેશ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter