લંડનઃ મિડલેન્ડ્સમાં બે શીખ યુવતીઓ પર બળાત્કારની ઘટનાએ શીખ મહિલાઓનું જીવન જ બદલી નાખ્યું છે. તેઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. તેમની રોજિંદી જીવનચર્યા પણ બદલાઇ ગઇ છે.
શીખ વિમેન્સ એઇડના અધ્યક્ષ સુખવિન્દર કૌરે જણાવ્યું હતું કે શીખ મહિલાઓ પોતાનું રક્ષણ કરવા માટે રોજિંદી જીવનચર્યામાં બદલાવ કરી રહી છે. મેં શીખ મહિલાઓ મધ્યે આ પ્રકારના ભયનું વાતાવરણ અગાઉ ક્યારેય જોયું નથી. પહેલીવાર શીખ મહિલાઓ એમ કહી રહી છે કે અમને નુકસાન થાય તેવી કોઇ બાબત અમે કરી રહ્યાં નથી. તેમને જિમમાં જતાં ભય લાગે છે. તેઓ ચાલવા કે જોગિંગ માટે પણ જતી નથી. તેઓ ગ્રુપ બનાવીને બહાર નીકળે છે. બહાર નીકળે ત્યારે પોતાના મિત્રો કે પરિવારજનો સાથે પોતાનું લોકેશન શેયર કરે છે.
મિડલેન્ડ્સમાં આવેલા તમામ ગુરુદ્વારાએ મહિલાઓને સુરક્ષિત રાખવા માટે સિક્યુરિટી એલાર્મ મોકલવાના શરૂ કર્યાં છે. મહિલાઓ એકલી ગુરુદ્વારા જતાં પણ ડરી રહી છે.

