લંડનઃ મિડલ્સબ્રો નજીક A66 પર સર્જાયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં બે પોલીસ અધિકારીઓ સહિત કુલ સાત લોકોના કરુણ મોત નિપજ્યા હતા. એકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ મેથ્યુ બ્લેડ્સ અને કોન્સ્ટેબલ ટોમ ક્લફ માર્યા ગયા હતા.
પ્રાથમિક તપાસ અનુસાર શંકાસ્પદ ફોક્સવેગન પાસાટ કાર રોંગ સાઇડમાં આવી રહી હતી. ઝડપી પીછો કર્યા બાદ અકસ્માત સર્જાયાની 10 સેકન્ડ પહેલા જ પીછો કરવાનું બંધ કરાયું હતું પરંતુ રોંગ સાઈડમાં આવતી કારે સામેથી આવતા પોલીસ વાહનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ફોક્સવેગન કારમાં સવાર પાંચ યુવાનો કોલ રોબર્ટ વર્ધી, થિયો રે, મકાઈ સેડિંગ્ટન, માઈકલ રોબર્ટ કાહિલ અને જેકબ મત્તુસિયાક સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
A66 માર્ગ અકસ્માત કેસમાં 12 લોકોની ધરપકડ
A66 હાઇવે પર બનેલી ગંભીર માર્ગ દુર્ઘટના અને તેને સંલગ્ન આપરાધિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં ક્લીવલેન્ડ પોલીસે 12 લોકોની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, 19થી 61 વર્ષની વયજૂથના નવ પુરુષો અને ત્રણ મહિલાઓની ધરપકડ કરીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં માર્યા ગયેલા પાંચમાંથી ચાર યુવાનો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.


