લંડનઃ પોતાના વર્કરોને મિનિમમ વેજ ચૂકવવામાં નિષ્ફળ રહેલા ટેસ્કો, પીઝા હટ અને ફાઈવ સ્ચાર લક્ઝરી હોટેલ ધ લોરી સહિત ૧૪૦ કંપનીઓને સરકારે દંડ કર્યો હતો. મિનિસ્ટરોએ તેમને એમ્પ્લોયમેન્ટ કાયદાનો ભંગ કરનારા ‘ઠગ એમ્પ્લોયર્સ’ ગણાવીને તેમના નામ જાહેર કર્યા હતા.
સુપરડ્રગ, સેન્ટ જહોનસ્ટોન ફૂટબોલ ક્લબ અને મુલર યુકે સહિત તમામ ૧૩૯ કંપનીઓને તેમના વર્કરોને પાછલી અસરથી વેતન ચૂકવવાની ફરજ પડાઈ છે. વર્કર દીઠ ૧૦,૦૦૦ પાઉન્ડની મર્યાદા સાથે એરિયર્સના ૨૦૦ ટકા નાણાંકીય દંડ ઉપરાંત તેમણે આ વેતન ચૂકવવું પડશે.
કંપનીઓ ૯૫,૦૦૦થી વધુ વર્કરોને કુલ ૬.૭ મિલિયન પાઉન્ડ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી તેમ સરકારે જણાવ્યું હતું. સૌથી વધુ ટેસ્કોએ તેના ૭૮,૧૯૯ વર્કરોને લગભગ ૫ મિલિયન પાઉન્ડ ચૂકવ્યા ન હતા. પીઝા હટે ૧૦,૯૮૦ વર્કરોને ૮૪૫,૯૩૬ પાઉન્ડ જ્યારે સેલફર્ડની લોરી હોટલ તેના ૯૯ વર્કરોને ૬૩,૪૩૧ પાઉન્ડ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી.
ટેસ્કોએ જણાવ્યું હતું કે ૨૦૧૭માં ટેક્નિકલ સમસ્યાને લીધે વર્કરોને નેશનલ મીનીમમ વેજ કરતાં પણ ઓછી રકમ ચૂકવાઈ હતી. પાછળથી આ ક્ષતિની જાણ HMRCને કરાઈ હતી. તે છતાં આ યાદીમાં તેમનું નામ આવતા તે નિરાશા સાથે આશ્ચર્ય અનુભવે છે. પીઝા હટ દ્વારા જણાવાયું કે થોડાં વર્ષ અગાઉ તેમને પણ ટેક્નિકલ સમસ્યા થઈ હતી. જેની જાણ HMRCને કરાઈ હતી. અમારા વર્કરોને ઓછું વેતન ચૂકવવાનો અમારો કોઈ ઈરાદો ન હતો.

