મિનિસ્ટરની હકાલપટ્ટી ન થાય તેમ માનવું નહિઃ થેરેસાની ચિમકી

Saturday 22nd July 2017 05:46 EDT
 
 

લંડનઃ કેબિનેટ બેઠકોની વિગતો લીક થવાના મુદ્દે વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટતા કરી છે કે આ તેમની સત્તા નબળી પડી હોવાની નિશાની નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ પણ મિનિસ્ટરની હકાલપટ્ટી કરી ન શકાય તેવી કોઈ બાબત જ નથી. કેબિનેટ રુમમાંથી વાતો લીક થવા મુદ્દે વડા પ્રધાને કહ્યું હતું કે તેમની વર્તમાન મિનિસ્ટર ટીમ ‘સલામત’ છે પરંતુ, ચર્ચા સતત લીક કરનારાની હકાલપટ્ટી થઈ શકે છે. બેકબેન્ચ કન્ઝર્વેટિવ ૧૯૨૨ કમિટીના સભ્યોએ મોઢું ખુલ્લું રાખતા મિનિસ્ટરની હકાલપટ્ટી કરવા બાબતે વડા પ્રધાનને ટેકો જાહેર કર્યો હતો.

આ પછી, LBC સાથેની વાતચીતમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘હાલ મારી ટીમ એકજૂટ છે અને બ્રિટિશ પ્રજાની ઈચ્છા પૂર્ણ કરવા અમે સાથે મળીને કામ કરીએ છીએ.’ મેએ સ્પષ્ટ કર્યું હતું કે મંગળવારની કેબિનેટ મીટિંગમાં તેમણે મિનિસ્ટર્સને ઠપકો આપ્યો હતો. ચાન્સેલર ફિલિપ હેમન્ડની જાહેર ક્ષેત્રના વેતન અંગેની ટીપ્પણીઓ, બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસ અને ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન પરના શાબ્દિક હુમલા તેમજ બ્રેક્ઝિટ સહિતની અન્ય ટીપ્પણીઓ જાહેર થઈ ગઈ હતી.

સામાન્ય ચૂંટણીના ખરાબ પરિણામોના કારણે પોતાની સત્તા નબળી પડી હોવાનો થેરેસા મેએ ઈનકાર કર્યો હતો. કહેવાય છે કે વડા પ્રધાને ચાન્સેલર હેમન્ડ સહિત કેટલાક સીનિયર મિનિસ્ટર્સની હકાલપટ્ટી કરવા નિર્ણય લીધો હતો પરંતુ, ધારેલી બહુમતી ન મળવાથી હેમન્ડ સહિતના મિનિસ્ટર્સને જાળવી રાખવાની તેમને ફરજ પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter