લંડન
લિઝ ટ્રસ સરકારના જનતાને રાહત આપવાના નામે રજૂ કરાયેલા મિની બજેટ બાદ બ્રિટિશ અર્થતંત્રનું ધનોતપનોત નીકળી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પીછેહઠના કારણે જુલાઇની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં બ્રિટિશ ઇકોનોમી 0.3 ટકા ઘટી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે બ્રિટન મંદીમાં સપડાઇ રહ્યો હોવાના મજબૂત સંકેત આપતાં જણાવ્યું છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ સુધીના છેલ્લા 3 મહિનામાં જીડીપીમાં 0.3 ટકાનો ઘટાડો નોંધાયો છે જે જુલાઇમાં થયેલા 0.1 ટકાના વધારાને પણ ધોઇ રહ્યો છે. ઓએનએસના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં જીડીપીમાં 1 ટકા કરતાં વધુનો વધારો નહીં થાય તો અર્થતંત્ર પર માઠી અસર થશે.
બ્રિટનમાં મોંઘવારી વિકરાળ બનશે – આઇએમએફની ચેતવણી
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)એ ચાન્સેલર ક્વાસી ક્વારતેંગના મિની બજેટની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે કરવેરામાં કાપ મૂકવાથી ટૂંકાગાળા માટે વૃદ્ધિદરમાં વધારો થશે પરંતુ મોંઘવારી સામેની લડાઇ અત્યંત જટિલ બની રહેશે. બ્રિટનમાં મોંઘવારી હજુ વધુ વકરે તેવી સંભાવના છે. ડિસેમ્બરના અંત સુધીમાં દેશમાં ફુગાવાનો દર 11.3 ટકા પર પહોંચવાની સંભાવના છે. આઇએમએફએ એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે 2023માં બ્રિટનના જીડીપી દરમાં મોટો ઘટાડો થઇ શકે છે. આઇએમએફએ 2023 માટે બ્રિટનનો વિકાસદર 0.5 ટકાથી ઘટાડીને 0.3 ટકા કરી દીધો છે.

