મિયાં - બીબી રાજી તો ક્યા કરે કાજી..!

Wednesday 15th June 2022 07:01 EDT
 
 

લંડન: આજકાલ એક એવા લગ્નની ચર્ચા છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ થઈ જશે કે પ્રેમને કોઈ ઉંમર નથી. આ કહાણી છે બ્રિટનનાં 82વર્ષનાં આઇરિસ જ્હોન્સની જેમણે 36 વર્ષના મોહમ્મદ ઇબ્રાહિમ નામના યુવાન સાથે લગ્ન કર્યા છે.
રસપ્રદ વાત તો એ છે કે આ બન્ને ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યાં નહોતા તેમ છતાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તેઓની મુલાકાત સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. રિપોર્ટ અનુસાર બંને અલગ અલગ દેશના રહેવાસી છે અને તેમની ફેસબુક પર મિત્રતા થઈ હતી. 2019માં થયેલી આ ઓનલાઈન મિત્રતા બાદ બંને એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા હતા અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ પછી બન્નેએ આમનેસામને મુલાકાતની યોજના ઘડી હતી અને તે માટે બ્રિટનમાં રહેતાં આઇરિસે મોહમ્મદના દેશ ઇજિપ્ત જવાનો નિર્ણય કર્યો હતો. આઇરિસ ઇજિપ્ત જઇને મોહમ્મદને મળ્યાં અને જિંદગીભર એકમેકનો સાથ નિભાવવાનો નિર્ણય કર્યો.
45 વર્ષનું અંતર ધરાવતા આ કપલે લગ્ન કર્યા હોવાની વાત બહાર આવી ત્યારે બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ગાંડા અને માથા ફરેલા જેવા શબ્દોથી પણ નવાજ્યા હતા પણ આઇરિસ કે મોહમ્મદને કોઈની પરવા નહોતી. આ કપલે આમ તો ગયા નવેમ્બરમાં જ લગ્ન કરી લીધા હતા, પરંતુ તાજેતરમાં બંનેની તસવીર સામે આવી ત્યારે લોકોને ખબર પડી કે તેઓ પતિ-પત્ની છે.
રસપ્રદ વાત એ છે કે આ લગ્ન કરવા માટે આઈરિસે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. મોહમ્મદ ઇબ્રાહિમનું કહેવું છે કે તેઓ આઇરિસને ખૂબ પ્રેમ કરે છે અને આઈરિસને મેળવીને ખુશ ખુશ છે. હાલ તો તેણે બ્રિટનના વિઝા માટે અરજી કરી છે. તેને વિઝા મળી જાય તે બાદ તે કાયમી ધોરણે પોતાનાં પત્ની સાથે બ્રિટન શિફ્ટ થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter