મિલિયોનેર શ્રવણ ગુપ્તા ટેક્સ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર તપાસમાંથી બચવા લંડનમાં છુપાયા

Friday 17th April 2020 06:18 EDT
 
 

લંડનઃ ભારતના પ્રખ્યાત ગાંધી પરિવાર સાથે સંકળાયેલા ૪૬ વર્ષીય મિલિયોનેર બિઝનેસમેન શ્રવણ ગુપ્તા સંખ્યાબંધ ટેક્સ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર વિશે તપાસમાંથી બચવા લંડનના મેફેર વિસ્તારમાં છુપાયા હોવાનું કહેવાય છે. નવી દિલ્હીના શ્રવણ ગુપ્તા વ્યાપક જાહેર વિવાદો તેમજ અનેક નિયમનકારી ચકાસણીઓ સાથે સતત પ્રકાશમાં રહ્યા છે. તેઓ શંકાના ઘેરા વાદળો હેઠળ ભારત છોડી ગયા છે અને પરિણામે તેમના ભારે વગદાર પરિવારમાં કડવાશપૂર્ણ ભંગાણ સર્જાયું હોવાનું પણ કહેવાય છે.

શ્રવણ ગુપ્તાએ વિવાદાસ્પદ શસ્ત્ર સોદાગર તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ગાંધી પરિવાર અને પૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ સાથે નિકટ નાતો ધરાવતા સ્વર્ગસ્થ સુધીર સરીનની દિકરી શિલ્પા સાથે લગ્ન કરેલા છે. ગુપ્તા પરિવારના અન્ય સભ્યો પેઢીઓથી રાજકારણમાં છે તેમજ કેબિનેટ મિનિસ્ટર્સ અને મિનિસ્ટર્સના હોદ્દાઓ પર રહ્યા છે. ગુપ્તા સામે ભારત, યુએઈ અને યુકેમાં લાંબી તપાસ યાદીઓમાં સ્થાન ધરાવે છે અને લંડનના સૌથી ખર્ચાળ મેફેર વિસ્તારમાં ચોક્કસ સ્થળે છુપાઈને ભારતીય તપાસકારોને કેવી રીતે ટાળી રહ્યા છે તેના પર સવાલો ઉભા થયા છે.

ગુપ્તા વિરુદ્ધ ઈન્ક્વાયરી છેક ૨૦૧૧થી શરુ કરાયેલી છે. સરકારી માલિકીની આંધ્ર પ્રદેશ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (APIIC) સાથે ભાગીદારીમાં હાથ ધરાયેલા પ્રોપર્ટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની તપાસ ભારતની મુખ્ય એન્ટિ-કરપ્શન તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરાઈ છે. સીબીઆઈની તપાસ કહે છે કે ગુપ્તા અને અન્ય અધિકારીઓએ આંધ્ર પ્રદેશ સરકારના વિવિધ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી વિકાસ કરાયેલી પ્રોપર્ટીના વેચાણના નાણા સંદર્ભે ગેરરીતિ આચરી APIICને જે નફો મળવો જોઈતો હતો તે ખિસ્સાભેગો કર્યો હતો.

આ પછીના વર્ષે સીબીઆઈએ દિલ્હીના કોમનવેલ્થ ગેમ્સ વિલેજના બાંધકામમાં ૨૦૦૭ની જાહેર હરાજી સંદર્ભે અલગ તપાસ હાથમાં લીધી હતી. બીજી તરફ, ૨૦૧૩માં ભારતના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા ભારતના ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ભંગ બદલ ગુપ્તાની કામગીરીઓ ઉપર બિલિયન ડોલરની પેનલ્ટી લદાઈ હતી. ઈડીને જણાયું હતું કે ગુપ્તા અને અન્ય એક્ઝિક્યુટિવોએ ફેમાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ભારતના અનેક રાજ્યોમાં ખેતીની જમીનો ખરીદવા મંજૂરી આપી હતી. તે સમયે ભારતની સુપ્રીમ કોર્ટના પ્રવક્તાએ પણ તમામ નાણા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવા તપાસ એજન્સીઓને સૂચન કર્યું હતું.

મે ૨૦૧૬માં ઈડીએ ત્રણ વર્ષ અગાઉ અગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સની ખરીદીના સંરક્ષણ કોન્ટ્રાક્ટ સંબંધે ભારતના કુખ્યાત ભ્રષ્ટાચાર કૌભાંડમાં સંભવિત સંડોવણી બાબતે પણ ગુપ્તાની પૂછપરછ કરી હતી. આ સમયગાળામાં યુનાઈટેડ આરબ અમિરાત અને લંડનના તપાસકારો પણ કથિત નાણાકીય ગેરવહીવટના મુદ્દાઓની વિગતો શોધી કાઢવા આકાશપાતાળ એક કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અનેક કૌભાંડ અને ગેરરીતો માટે તપાસના કેન્દ્રમાં રહેલો શ્રવણ ગુપ્તા લંડનની ગ્રોવનર સ્ટ્રીટના મેફેર સરનામે છુપાયો હોવાનું મનાય છે. તેનું છુપાવાનું સ્થળ વેરબાના એન્ટરપ્રાઈઝ (Verbana Enterprises)ની માલિકીનું હોવાનું કહેવાય છે. જોકે, માલિકીના અનેક જટિલ રેકોર્ડ્સ રહેવા છતાં તે સ્થળ વાસ્તવમાં ગુપ્તાની માલિકીનું જ હોય તેમ પણ માનવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter