લંડનઃ યુકેના મિલ્ટન કેન્સની ફાર્માસિસ્ટ તુલસી પટેલે નેપાળમાં આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલન બાદ લાપતા થયેલાં તેમનાં માતા હેમાંગિની જીતેન્દ્ર પટેલ અને માસી હેમા સુનીલ અમીનની શોધખોળ તેજ કરી છે. તિબેટની ધાર્મિક યાત્રાએ ગયેલા બંને બહેનોનો છેલ્લો પત્તો મેળવવા માટે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટીકટોક પર શેયર થયેલા એક વીડિયોનો સહારો લીધો છે.
જીપીએસ સિગ્નલ અને ટૂર ગ્રુપના ડેટા અનુસાર, તેઓ છેલ્લે નેપાળ-ચીન બોર્ડર પર આવેલા ફ્રેન્ડશિપ બ્રિજ નજીક હતા. સોશિયલ મીડિયા પર તપાસ કરતા તુલસી પટેલને સ્થાનિક ટૂર ગાઇડ દ્વારા શૂટ કરાયેલો એક વીડિયો મળ્યો હતો જેમાં તેમનાં માતા અને માસી અન્ય ત્રણ સભ્યો સાથે બોર્ડર ઓળંગવા માટે રાહ જોતા નજરે પડે છે. આ વીડિયો બુધવારે સવારે નેપાળના સમયાનુસાર સવારે 6 વાગ્યા આસપાસનો હોવાનું મનાય છે.
કોવેન્ટ્રીના બિપિન પટેલ અને માયા પટેલ ગિરોંગ વિસ્તારમાં લાપતા
કોવેન્ટ્રીના રહેવાસી બિપિન પટેલ (66) અને માલા પટેલ (60) 22 ઓગસ્ટે તિબેટ સ્થિત પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થયા હતા. ગિરોંગ સરહદી વિસ્તારમાંથી તેમનો સંપર્ક તૂટ્યો છે. તેમના દીકરા દીપક પટેલે જણાવ્યું હતું કે, અમને છેલ્લે માહિતી મળી તે પ્રમાણે તેઓ નેપાળ-ચીન સરહદ પર ગિરોંગ વિસ્તારમાં હતા. આજ બોર્ડર ક્રોસિંગ પર ભારે નુકસાન થયું હતું.


