લંડનઃ ‘ફોર્ટનાઈટ’ વીડિયો ગેમ રમતા વિજેતા બનેલા ડોલર મિલ્યોનેર ૧૫ વર્ષીય બ્રિટિશ ટીનેજર જેડન એશ્મેને જણાવ્યું હતું કે તે મુખ્યપ્રવાહમાં જ તેનો અભ્યાસ ચાલુ રાખશે. આ ગેમના અન્ય સ્પર્ધકો સ્કૂલે જવાને બદલે ઘરેથી અભ્યાસ કરે છે. ન્યૂયોર્કમાં યોજાયેલા પ્રથમ ફોર્ટનાઈટ વર્લ્ડ કપમાં તે સૌથી વધુ સ્કોર મેળવનારો બ્રિટિશ સ્પર્ધક હતો. ડ્યુઓઝ ઈવેન્ટમાં ઈનામની £૧.૮ મિલિયન (૨.૨૫ મિલિયન ડોલર)ની આ રકમ બન્ને વિજેતાઓ વચ્ચે વહેંચવામાં આવી હતી.
૧૪ વર્ષીય કાઈલ ‘મોન્ગ્રાલ’ જેક્સન અને ૧૫ વર્ષીય બેન્જી ફિશ જેવા વધુ જાણીતા બ્રિટિશ ઈસ્પોર્ટસ ખેલાડીઓ પ્રેક્ટીસ કરી શકે તે માટે ઘરે રહીને ભણે છે. જેડને તેમના કરતાં પણ વધુ સ્કોર કર્યો હતો. જેડને જણાવ્યું હતું કે તે ખૂબ વહેલા ઉઠતો નથી પરંતુ, સ્કૂલે જવા છતાં તે પ્રેક્ટીસ માટે દરરોજ આઠ કલાકનો સમય ફાળવી શકે છે.


