મિસ ઈંગ્લેન્ડ ભાષા મુખરજીએ સૌંદર્યતાજ છોડી સ્ટેથેસ્કોપ લીધું

Tuesday 14th April 2020 07:22 EDT
 
 

લંડનઃ માનવતાપૂર્ણ ચેષ્ટામાં મિસ ઈંગ્લેન્ડ ભાષા મુખરજીએ સૌંદર્યતાજ છોડીને સ્ટેથેસ્કોપ હાથમાં લીધું છે. બોસ્ટનની પિલગ્રીમ હોસ્પિટલના સાથીઓના સંદેશા મળવાની સાથે જ ભાષાએ પોતાના ચેરિટી કાર્યોને અટકાવી કોવિદ-૧૯ની કટોકટીમાં જુનિયર ડોક્ટર તરીકે સેવા આપવા ઈંગ્લેન્ડની રાહ પકડી હતી. ભારતના કોલકાતામાં જન્મેલી ૨૪ વર્ષીય ડોક્ટર ભાષા મુખરજીને ઓગસ્ટ ૨૦૧૯માં મિસ ઈંગ્લેન્ડ જાહેર કરવામા આવી છે. ભાષાએ કહ્યું હતું કે હું સીધી કામે વળગી જવા માગું છું.

ભાષા મુખરજીએ સૌંદર્યતાજ જીત્યાં પછી તેની મેડિકલ કારકિર્દીમાંથી વિરામ લઈ સખાવતી કાર્યો કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, કોરોના મહામારીએ તેના નિર્ણયને બદલી નાખ્યો છે. ભાષા માર્ચમાં ચાર સપ્તાહ માટે ભારત આવી હતી ત્યારે તેને ઈંગ્લેન્ડના બોસ્ટન શહેરની પિલગ્રીમ હોસ્પિટલના સાથીઓના સંદેશા મળવા લાગ્યા હતા. મેડિકલ ક્ષેત્રની બે ડીગ્રી ધરાવતી જુનિયર ડોક્ટર મુખરજીના સાથીઓ લાંબી શિફ્ટ્સમાં કામ કરી રહ્યા છે અને અગાઉ કદી જોઈ ન હોય તેવી કટોકટીનો સામનો કરી રહ્યા છે. ભાષાએ કહ્યું હતું કે,‘હું તત્કાળ ટાસ્ક ફોર્સમાં જોડાઈ જવા માંગું છું.’ જોકે, તે સાત દિવસના આઈસોલેશન પછી જ કામે જોડાઈ શકશે.

ભાષાએ અમેરિકન ન્યૂઝ વેબસાઈટ CNNને જણાવ્યું કે,‘ વિશ્વ જીવલેણ મહામારી સામે જંગ ખેલી રહ્યું હોય ત્યારે મિસ ઈંગ્લેન્ડનો તાજ પહેરી રાખવો મને યોગ્ય લાગ્યો નહિ. હું ઇંગ્લેન્ડ પરત આવીને કોરોના વાઇરસ સામે લડી રહેલા દર્દીઓની મદદ કરવા માગતી હતી. આખી દુનિયા કોરોના વાઇરસ સામે લડતા ડોક્ટર્સ, નર્સીસ અને હેલ્થ વર્કર્સની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. મારે પણ તે લોકોની મદદ કરવી છે, મને ખબર છે હું તેમની મદદ કરી શકું તેમ છું. મિસ ઇંગ્લેન્ડ અને ડોક્ટર તરીકે દેશની પડખે ઉભા રહી મદદ કરવી એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ સમય છે.’

ભારત પછી તે આફ્રિકા અને તુર્કી સહિત અન્ય દેશોમાં સખાવતી કાર્યો માટે જવાની હતી. નવ વર્ષ સુધી કોલકાતામાં રહેલી ભાષા પોતાના પરિવાર સાથે ઇંગ્લેન્ડ શિફ્ટ થઇ હતી. તે કોલકાતામાં તેના કાકાને ત્યાં રહી હતી. તેણે શેરીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે ૨૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરી સ્થાનિક ‘હોપ’ ફાઉન્ડેશનમાં દાન કર્યા હતા. ગત બુધવારે કોલકાતાના બ્રિટિશ ડેપ્યુટી કમિશનર નિક લોએ લોકડાઉનમાં ભારતમાં ફસાઈ ગયેલી ભાષાને ઇંગ્લેન્ડ પહોંચાડવા મદદ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter