લંડન
યુકેમાં મિસ્ટર પોટ હોલ તરીકે જાણીતા માર્ક મોરેલ દેશમાં સડકોની ખસ્તાહાલ સ્થિતિથી ઘણા નારાજ છે. તેથી હવે તેઓ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સડકો પરના ગાબડાંને નૂડલ્સથી ભરી રહ્યાં છે. મોરેલ કહે છે કે સડકો પરના ગાબડાં પૂરવા માટે પોટ નૂડલ્સથી ઉત્તમ બીજું કશું નથી. આ માટે મોરેલે નૂડલ્સની એક જાણીતી બ્રાન્ડ સાથે સંકલન કર્યું છે જેથી બ્રિટનની ગાબડાંથી ભરપૂર સડકોની મરામત માટે સરકારનું ધ્યાન દોરી શકાય.
આ પહેલાં પણ મિસ્ટર પોટ હોલ રબરના બતક મૂકીને સડકો પરના ગાબડાં પ્રત્યે સરકારનું ધ્યાન દોરી ચૂક્યાં છે. ગાબડાંના જન્મદિવસની કેક મૂકીને પણ સરકારનું ધ્યાન દોરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ ગયા હતા.
તેમણે જણાવ્યું હતું કે, સડકો પરના ગાબડાંના કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમગ્ર યુકેમાં સડકો પરના ગાબડાં ઘણો ગંભીર મુદ્દો છે. હું છેલ્લા 10 કરતાં વધુ વર્ષોથી બ્રિટનની ખસ્તાહાલ સડકો સામે અભિયાન ચલાવી રહ્યો છું. અત્યારે હું સડકો પરના ગાબડાંમાં નૂડલ્સ ભરીને સરકારનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરી રહ્યો છું. મોરેલના મતે સડકો પરના ગાબડાં દુષણ નહીં પરંતુ એક મહામારી છે. સડકો પરના ગાબડાંના કારણે ઘણા સાયકલ સવારોના મોત નિપજી ચૂક્યાં છે. બ્રિટનની સડકો પર ગાબડાંના કારણે દર સપ્તાહે એક સાયકલ સવારનું મોત થાય છે અથવા તો ગંભીર ઇજા પહોંચે છે. આ પ્રકારના મોત ટાળી શકાય તેમ છે.


