મીઠુ મીઠુ બોલતા પોપટ ગંદુ ગંદુ બોલવા લાગે તો?!

મુલાકાતીઓને ગાળો ભાંડતા પાંચેય પોપટને પાર્કના પાંજરામાંથી હટાવાયા

Sunday 11th October 2020 04:07 EDT
 
 

લંડન: પોપટ મનુષ્યના શબ્દોની નકલ કરી શકે, બોલી શકે એ જાણીતી વાત છે. પોપટ મીઠુ મીઠુ બોલે ત્યારે સાંભળીને મજા પણ આવતી હોય છે, પરંતુ આ જ પોપટ અભદ્ર ભાષા - અપશબ્દો બોલવા લાગે તો?! જે પોપટ મનુષ્યો પાસેથી સારા શબ્દો શીખી શકે છે તે પોપટ અપશબ્દો પણ આસાનીથી શીખી છે અને આવું થાય ત્યારે ભારે ક્ષોભજનક સ્થિતિ સર્જાતી હોય છે. લિંકનશાયર વાઈલ્ડલાઈફ પાર્કમાં આવો જ અચરજ પમાડે તેવો બનાવ બન્યો છે. અહીં પાંજરામાં રખાયેલા પાંચ પોપટે મુલાકાતીઓ સામે અપશબ્દો અને ગાળાગાળી શરૂ કરી હતી. પરિણામે આ પાંચેય પોપટને ડિસ્પ્લેમાંથી હટાવી દેવા પડયા છે.
પાર્કના અધિકારીઓએ કહ્યું હતું કે આ પાંચેય પોપટ પ્રમાણમાં નવા છે. થોડાક સમય પહેલા જ પાંચ અલગ અલગ માલિકો આ પોપટ પાર્કને સોંપી ગયા હતા. એક જ અઠવાડિયામાં આ પોપટનો કબજો પાર્કના સંચાલકોને મળી ગયો હતો. નિયમ પ્રમાણે પાંચેયને ક્વોરન્ટાઈન કરાયા હતા. એ દરમિયાન તેઓ સાથે રહ્યા હતા. એ વખતે એકાદ ‘જાણકાર’ પોપટ પાસેથી અન્ય પોપટ આ ન શીખવાની કળા શીખી ગયા હતા.
એરિક, જેડ, એલ્સી, ટીસન અને બિલિ નામના આ પોપટ આફ્રિકન ગ્રે પેરોટ પ્રકારના છે. આ પ્રજાતિના પોપટ ૬૦ વર્ષ સુધીનું આયુષ્ય ધરાવતા હોય છે. પોપટ તેના પાંજરા પાસેથી કોઈ પસાર થાય કે તેના પર ન બોલવાના શબ્દો વરસાવતા હતા. પરિણામે આ પાંચેય પોપટને પાર્કના અધિકારીઓએ હટાવી લઈને સારવાર કેન્દ્રમાં મોકલ્યા છે. પાર્ક સત્તાધિશોએ પોતાના ફેસબૂક પર પાંચેય પોપટના ફોટા સાથે લખ્યું છે કે ‘આ જ છે, ઈન્ફેમસ (બદનામ) પાંચેય.’
પાર્કના અધિકારીઓએ કહ્યું હતું કે આ મામલામાં પોપટ કરતા વધારે દોષ મનુષ્યોનો છે કેમ કે આપણે જે કંઇ બોલીએ છીએ એ આસાનીથી શીખી શકે છે. શરૂઆતમાં તો આ પોપટ અંદરોઅંદર ગાળાગાળી કરતા હતા ત્યારે અમુક મુલાકાતીઓને આનંદ આવતો હતો. જોકે આ પછી પાંચેય પોપટે મુલાકાતીઓને ગાળો આપવાની શરૂઆત કરતાં સમસ્યા શરૂ થઈ હતી. ફરિયાદોનો મારો શરૂ થયા બાદ તેને પાર્કના ડિસ્પ્લેમાંથી હટાવી લેવા નિર્ણય કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter