લંડનઃ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવા યુકે સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે શોકસભાનું આયોજન કરાયું હતું. આ શોકસભામાં કલ્ચર સેક્રેટરી લિસા નેન્ડી, કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન, ભારતના સંસદીય બાબતોના રાજ્યમંત્રી એલ. મુરુગન, મહારાષ્ટ્રના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસત સહિત મોટી સંખ્યામાં બ્રિટિશ સાંસદો અને ગણમાન્ય લોકો હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ આ પ્રકારના હિંસક કૃત્યોના જવાબદારોને સજા અપાવવા સહિત ધીરજ અને એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, મુંબઇ આતંકવાદી હુમલા બાદ નાગરિકોની હત્યાનો આ સૌથી જધન્ય હુમલો છે. 2019માં પણ આતંકવાદીઓએ અર્ધલશ્કરીદળો પર હુમલો કરી 40 જવાનોની હત્યા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, આ હુમલામાં લોકોને ધાર્મિક ઓળખના આધારે અલગ કરીને મારી નાખવામાં આવ્યા. મૃતકોમાં ભારતમાં બહુમતી સમુદાય એવા હિન્દુઓ હતા. તેઓ ફક્ત વેકેશન માણવા કાશ્મીર ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય બની રહેલી સ્થિતિને ડહોળી આતંક ફેલાવવા માટે આ હુમલો કરાયો હતો.