મુંબઇના ડબ્બાવાળાઓએ કિંગ ચાર્લ્સને બે કિલોનો સોનાનો તાજ, પુનેરી પાઘડી અને ખેસ ભેટમાં આપ્યાં

Tuesday 09th May 2023 13:10 EDT
 
 

લંડનઃ બ્રિટનના રાજવી પરિવારને મુંબઇના ડબ્બાવાળાઓ સાથે અનોખો નાતો છે. 2003માં કિંગ ચાર્લ્સ પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ડબ્બાવાળાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી. એપ્રિલ 2005માં પણ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કરના લગ્ન સમારોહમાં મુંબઇના ડબ્બાવાળાઓના યુનિયનના બે સભ્યોને આમંત્રણ અપાયું હતું.

આ અનોખા સંબંધને આગળ ધપાવતા મુંબઇના ડબ્બાવાળાઓએ કિંગ ચાર્લ્સની તાજપોશી નિમિત્તે એક વિશેષ તાજ, પુનેરી પાઘડી અને ખેસ ભેટમાં મોકલાવ્યાં છે. મુંબઇ ડબ્બાવાલા એસોસિએશનના પ્રવક્તા સુભાષ તાલેકરે જણાવ્યું હતું કે, અમે કિંગ ચાર્લ્સને 2.23 કિગ્રા સોનાનો બનેલો તાજ ભેટમાં મોકલ્યો છે. ગયા સપ્તાહમાં બ્રિટિશ હાઇકમિશન દ્વારા મુંબઇની તાજ હોટેલમાં એક સમારોહનું આયોજન કરાયું હતું જેમાં ડબ્બાવાળાઓએ તેમની  ભેટો સોંપી હતી.

ડબ્બાવાળાઓ દ્વારા કિંગ ચાર્લ્સને ભેટ કરાયેલી પાઘડી 19મી સદીથી પ્રચલિત બનેલી પુનેરી પાઘડી છે જેને મહારાષ્ટ્રના પૂણે પ્રદેશમાં ગૌરવ અને સન્માનનું પ્રતીક મનાય છે. તે ઉપરાંત કિંગ ચાર્લ્સને ઉપરને તરીકે ઓળખતો ખેસ પણ ભેટ તરીકે મોકલાયો છે. તાજપોશી સમયે કિંગ ચાર્લ્સને મુંબઇના ડબ્બાવાળાઓની આ ભેટ સોંપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter