મુંબઇમાં શાહી દંપતીનો ભારતીય અંદાજ

પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ 3 દિવસીય ભારત મુલાકાતમાં છવાયા

Tuesday 17th November 2026 14:31 EST
 
 

લંડનઃ પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ વર્ષ 2026ના અર્થશોટ પ્રાઇઝના વિજેતાઓની ઘોષણા માટે 16થી 18 નવેમ્બર ભારતની મુલાકાતે પહોંચ્યા હતા. સોમવાર, 16 નવેમ્બરથી શરૂ થયેલા મુંબઈના કાર્યક્રમોમાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટને બેલાર્ડ એસ્ટેટ ખાતે શાળાના બાળકો અને ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકર સાથે ગલી ક્રિકેટ રમી હતી, મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરી હતી અને 'અર્થશોટ પ્રાઇઝ ઇમ્પેક્ટ એસેમ્બલી'માં હાજરી આપી હતી. ગલી ક્રિકેટ રમતી વખતે તેમણે કુલ્હડ ચ્હાની લિજ્જત પણ માણી હતી.

મંગળવાર 17 નવેમ્બરના રોજ બાંદ્રા રિક્લેમેશન ગાર્ડનની મુલાકાત દરમિયાન આ શાહી દંપતીએ એક અલગ જ અંદાજમાં એન્ટ્રી કરી હતી. પ્રિન્સ વિલિયમે 'મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી' દ્વારા નિર્મિત ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરનું સ્ટીયરિંગ સંભાળ્યું હતું, જ્યારે પ્રિન્સેસ કેથરિન પાછળની સીટ પર સવાર થયા હતા. ત્યારબાદ આ દંપતીએ 2026ના અર્થશોટ પ્રાઇઝના ૧૫ ફાઇનલિસ્ટ્સ સાથે મુલાકાત કરી હતી. મંગળવારે સાંજે મુંબઈના ગ્રીન કાર્પેટ પર શાહી દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિન છઠ્ઠા વાર્ષિક 'અર્થશોટ પ્રાઇઝ એવોર્ડ્સ' માટે પહોંચ્યા હતા, જ્યાં ભારતીય છાંટ ધરાવતા તેમના પરિધાનોએ આ હાઇ-પ્રોફાઇલ વૈશ્વિક કાર્યક્રમમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કેથરિને ભારતીય ડિઝાઇનર મહિમા મહાજન દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલો સિંદૂરી-લાલ (વર્મિલિયન-રેડ) અનારકલી ગાઉન પહેર્યો હતો, જેમાં સોનેરી નકશીકામ, બારીક ભરતકામ અને પરંપરાગત કારીગરીની ઝલક જોવા મળી હતી. તેમણે હીરા અને નીલમણિ જડિત આભૂષણો સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. બીજી તરફ, વિલિયમે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલો કાળો બંધગલો પસંદ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter