વડોદરાઃ બ્રિટનની હાઉસ ઓફ લોર્ડ્સના પહેલા ગુજરાતી સભ્ય લોર્ડ ડોલર પોપટે દિવ્ય ભાસ્કર અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, બ્રિટનમાં અગાઉ ભારતીયો એશિયન કહેવાતા હતા. હવે બ્રિટિશ ઇન્ડિયન્સ કહેવાય છે. ઇંગ્લેન્ડની નજર ભારતના 1.3 બિલિયન ગ્રાહકો ભણી છે. ભારતે વિદેશમાં વસતા ભારતીયોને નોન રેસિડેન્ટ ઇન્ડિયન નહીં પણ નેશનલ રિઝર્વ ઓફ ઇન્ડિયા તરીકે ગણવાની જરૂર છે. આ તબક્કે ભારતીયોએ એફટીએ પર સહી કરી રિશી સુનાકને સાથ આપવાની જરૂર છે. ઇંગ્લેન્ડના ભારતમાં વ્યાપારિક હિતો જળવાય અને ભારતીયોના વિઝા જેવી બાબતોમાં વિચારણા કરી શકાય તેમ છે. ગુજરાતના વડોદરામાં એક કથામાં હાજરી આપવા આવેલા લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ તેમના પ્રયાસથી ભારત વિશેનો વૈશ્વિક મત ખૂબ ગૌરવશાળી બન્યો છે. વૈશ્વિક સ્તરે અને બ્રિટનમાં ભારતનું મહત્ત્વ વધી રહ્યું છે. બ્રિટનમાં મુક્ત વ્યાપાર કરાર માટે ભારતની તરફેણ લેવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકના ભારત પ્રેમ અંગે લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જય સિયારામ શબ્દ ઓછો બોલાય છે, પરંતુ સુનાક ત્યાં જાહેર કાર્યક્રમમાં બોલ્યા હતા. ત્યાં સુધી કે તેમણે મોરારિબાપુની કથામાં રસોડામાં સેવા આપી જમવાનું પણ પીરસ્યું અને પછી કથામાં પણ બેઠા હતા. ઇંગ્લેન્ડના લોકો વ્યક્તિને નહીં પાર્ટીને વોટ આપે છે. હાલમાં તેઓ યુવા છે. ઓછા અનુભવી છે પણ 10-15 વર્ષમાં પાકટ થઈ જશે.
યુકે સ્થાયી થવા માગતા ભારતના યુવાનોને સલાહ આપતાં લોર્ડ ડોલરે જણાવ્યું કે, ઇંગ્લેન્ડમાં આવીને સખત મહેનત કરો, અંગ્રેજી સારું બોલો તો તક આપમેળે મળશે. ઇંગ્લેન્ડમાં તકો પુષ્કળ છે. ભારતીયોને તેમની ઇમાનદારી અને નિષ્ઠાના પગલે નોકરીઓમાં અગ્રતા ક્રમ અપાય છે. અગાઉ ઇંગ્લેન્ડમાં ભારતીયોને ભારતને પછાત, અલ્પવિકસિત દેશ તરીકે જોવાતો હતો, પરંતુ છેલ્લાં 15 વર્ષમાં સ્થિતિ બદલાઈ છે.


