લંડન
બ્રિટન સરકારે જણાવ્યું છે કે ભારત સાથેના મુક્ત વેપાર કરારમાં નવી દિલ્હીને બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત લેવાની ફરજ નહીં પડાય. વડાપ્રધાન રિશી સુનાકના પ્રવક્તાએ વિદેશી મીડિયાની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, માઇગ્રેશન અને ગેરકાયદેસર રીતે બ્રિટનમાં રહેતા ભારતીયોને પરત મોકલવાનો મુદ્દો અલગ છે અને અમે આ મુદ્દા પરની ચર્ચામાં ઘણી પ્રગતિ કરી છે. મે 2021માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સન વચ્ચે થયેલા કરાર અંતર્ગત આ મુદ્દા પર સારો એવો સહકાર સાધી શકાયો છે. મુક્ત વેપાર કરાર અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટોનો મામલો તદ્દન અલગ મુદ્દા છે.
ઓક્ટોબર મહિનામાં લિઝ ટ્રસ કેબિનેટમાં હોમ સેક્રેટરી એવા સુએલા બ્રેવરમેને આપેલા નિવેદન કરતાં આ નિવેદન તદ્દન વિરોધાભાસી છે. સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, મોદી અને જ્હોન્સને હસ્તાક્ષર કરેલો પ્રોટોકોલ સારી રીતે કામ કરી રહ્યો નથી તેથી મને વિઝામાં છૂટછાટ આપવાના સંબંધમાં ભારત સાથેના મુક્ત વેપાર કરાર પર શંકાઓ છે.
સુએલા બ્રેવરમેનના આ નિવેદનને પગલે બંને દેશ વચ્ચેની મંત્રણા ભાંગી પડી હતી અને દીવાળી સુધીમાં મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની ડેડલાઇન ચૂકી જવાઇ હતી.
સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુનાકના વડાપ્રધાન બન્યા બાદ બ્રિટન સરકારની મંત્રણા વ્યૂહરચનામાં કોઇ બદલાવ કરાયો નથી. ડિસેમ્બરમાં બંને દેશ વચ્ચે છઠ્ઠા રાઉન્ડની મંત્રણા યોજાશે. અમે ફક્ત એવા કરાર પર હસ્તાક્ષર કરીશું જે બંને દેશના હિતમાં હોય.


