લંડનઃ ભારતે યુકે સાથેના મુક્ત વેપાર કરારમાં પ્રોફેશનલ્સ માટે વર્ક વિઝાની માગ કરી છે. ભારત ઇચ્છે છે કે ભારતની કંપનીઓ યુકેમાં પ્લાન્ટ અને ઓફિસ સ્થાપિત કર્યા બાદ યુકેની સાથે સાથે ભારતમાંથી પણ કર્મચારીઓ નિયુક્ત કરી શકે. બીજીતરફ યુકેમાં માઇગ્રેશનનો મામલો અત્યંત ગંભીર બન્યો છે ત્યારે ભારતની આ માગ મુક્ત વેપાર કરારમાં અડચણો પેદા કરી શકે છે.
ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચાલી રહેલી મંત્રણાઓના જાણકાર એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, મુક્ત વેપાર કરાર અંતર્ગત ભારતીય સર્વિસ કંપનીઓ યુકેમાં કામગીરી કરી શકે તો તેમને સરળતાથી કર્મચારીઓની નિયુક્તિની પરવાનગી પણ મળવી જોઇએ. વિઝા પ્રક્રિયા એવી હોવી જોઇએ કે ભારતી કંપનીઓને મદદરૂપ થાય. બીજીતરફ યુકેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમે માઇગ્રેશનના મુદ્દે કોઇ નિર્ણય લઇ શક્તાં નથી તેથી મંત્રણામાં આ મુદ્દા પર ચર્ચા ઇચ્છતા નથી.
હાલમાં ભારતીય અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરવા યુકે પહોંચ્યું છે. બંને દેશ જેમ બને તેમ ઝડપથી આ કરારને કાર્યાન્વિત કરવા માગે છે. બંને પક્ષ મતભેદો દૂર કરવા માટે ઉચ્ચ સ્તરે પણ મંત્રણા કરી રહ્યાં છે.


