લંડનઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે યુકે અને ભારત વચ્ચેના પ્રસ્તાવિક મુક્ત વેપાર કરારમાં થઇ રહેલા વિલંબ માટે નવી દિલ્હીની ટીકા કરનારા સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના કરારોમાં કાળજીપુર્વક આગળ વધવું જોઇએ કારણ કે તેની અસર લોકોના રોજગાર પર પડતી હોય છે.
જયશંકરે જણાવ્યું હતું કે, મારા સાંભળવામાં આવ્યું છે કે નિરાશાવાદી કથનો ફરી શરૂ થયાં છે. એમ કહેવામાં આવે છે કે શા માટે ભારત યુકે સાથે વેપાર કરાર પર ઝડપથી હસ્તાક્ષર કરી રહ્યો નથી. કોઇ એમ નથી કહેતું કે શા માટે યુકે કરાર પર ઝડપથી હસ્તાક્ષર કરી રહ્યો નથી. એમ લાગી રહ્યું છે કે બધી જવાબદારી ભારતની છે.
જયશંકરે જણાવ્યું હતું કે, અમે અત્યારે કેટલાક ગંભીર ભાગીદારો સાથે કેટલીક ગંભીર મંત્રણઆઓના મધ્યભાગમાં પહોંચ્યા છીએ. બંને પક્ષ કોઇને કોઇ મુદ્દે પીછેહઠ કરી રહ્યાં છે. આપણે તેને દૂર કરવા ઝડપથી કામ કરવું જોઇએ કારણ કે દરેક વેપાર કરાર અને દરેક મુક્ત પગલું એક સિદ્ધી ગણાશે. મુક્ત વેપાર કરાર જરૂરી છે પરંતુ કેટલીક જોગવાઇની કાળજીપુર્વક ચકાસણી પણ આવશ્યક છે.
વેપાર કરાર પર 14મા રાઉન્ડની મંત્રણા જાન્યુઆરીમાં
ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પરની મંત્રણાનો 14મો રાઉન્ડ જાન્યુઆરી 2024માં શરૂ થશે. અત્યાર સુધીમાં 13 સપ્ટેમ્બરથી 15 ડિસેમ્બર 2023 વચ્ચે મંત્રણાના 13 રાઉન્ડ યોજાઇ ચૂક્યાં છે.


