એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગના પૂર્વ વડા શ્રી દીપકભાઇ રાવલ જેમને ગુજરાતી રંગભૂમિના પિતામહ લેખાવે છે એ કલાજીવ શ્રી એન.સી. પટેલે લંડન ખાતે ૯૪ વર્ષની વયે ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ નોર્થવીક પાર્ક હોસ્પીટલમાં ગણત્રીના કલાકો જ રહ્યા બાદ નશ્વર દેહનો ત્યાગ કરવાથી કલાક્ષેત્રે અને એમના પરિવારમાં ન પૂરાય એવી ખોટ પડી છે.
ભારત, યુગાન્ડા અને યુ.કે.માં ગુજરાતી રંગભૂમિને જીવંત રાખનાર શ્રી નટુભાઇ ચતુરભાઇ પટેલ એમની પાછળ ચાર સંતાનો, દીપકભાઇ, મીનુબેન, રેણુબેન અને જયેશભાઇના વિશાળ પરિવારની લીલી વાડી મૂકી ગયા છે.
મૂળ ખંભોળજના વતની અને વડોદરા પાસે દશરથ ગામમાં તા.૧૮-૫-૧૯૨૭માં માતુશ્રી ગંગાબાની કૂખે જન્મેલ શ્રી નટુભાઇનું શિક્ષણ મુંબઇમાં થયું હતું. બાળપણથી જ સાહિત્ય, સંગીત, કલામાં ભારે રસ. એમના પિતાશ્રીની યુગાન્ડામાં કોટન જીનેરી હતી. સાઇડ બિઝનેસ ફિલ્મીંગ ફાયનાન્સ અને ફિલ્મ રેન્ટીંગનો હોવાને કારણે એમને ત્યાં જાણીતી ફિલ્મ હસ્તીઓની અવર-જવર રહેતી એથી એમનો કલાજીવ જાગી ઉઠ્યો.૧૯૪૭માં લીલાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.
એમના પરિવારે યુગાન્ડાથી ૧૯૬૬માં લંડન સ્થળાંતર કર્યું. વડોદરામાં પણ બરોડા ઇલેકટ્રોનિકનો બિઝનેસ હોવાને કારણે વડોદરા, લંડન વચ્ચે આવન-જાવન રહેતી. પાછલો સમય મહદ્ અંશે વડોદરામાં રહ્યા હતા.
તેઓ ૧૯૭૭માં લંડનમાં કાયમી વસવાટ થતાં અત્રેના ભારતીય વિદ્યાભવનમાં સક્રિય બની ગુજરાતી નાટ્યવિભાગ શરૂ કર્યો અને એની એક્ઝીક્યુટીવ કમિટીમાં રહી દશેક વર્ષ સેવા આપી, ૧૧ જેટલા નાટકો રજુ કર્યા બાદ વેમ્બલીમાં ફેડરેશન ઓફ પાટીદાર સમાજમાં પ્રવૃત્ત બન્યા. જ્યાં ‘થિયેટર ઓફ ટોટાલીટી’ ના ધ્યેય આધારિત થિયેટર પ્રવૃત્તિમાં પ્રવૃત્ત બન્યા. અનેક નવોદિત કલાકારોને સ્ટેજ પૂરૂં પાડ્યું. નવા કલાકારોને પ્રોત્સાહિત કરવા ભરત નાટ્યમ અને કથ્થક નૃત્ય કલાના વર્ગો શરૂ કર્યા જેથી કલાકારોને તાલીમ મળે. એ માટે નાટ્ય જગતના અગ્રણીઓ અને નૃત્ય કલાગુરૂઓ આમંત્રી મીરાં, સૂરદાસ, શાકુન્તલ આદિ નૃત્ય નાટિકાઓ તૈયાર કરી અનેક શો યુ.કે.ભરમાં કર્યા.
‘મીરા’ નૃત્ય નાટિકાનું તો ફિલ્મીંગ કરી સ્થાનિક ચેનલ ૪ પર દર્શાવાઇ હતી, જેના દિગ્દર્શનની જવાબદારી એમના દિકરી મીનુબેને અને નાયિકાની ભૂમિકા રેણુબેને ભજવી હતી.
પોર્ટુગલમાં પણ ભારતીય વિધ્યા ભવનની શાખા શરૂ કરી ભાષા, સંગીત અને નૃત્ય કલાનો ધ્વજ લહેરાવ્યો. ગુજરાતી ફિલ્મ ‘કલાપી’ નું નિર્માણ કરેલ એની યાદ ગુજરાતી ફિલ્મ જગતમાં આજે પણ ગૌરવભેર લેવાય છે.
વિદેશમાં અને સવિશેષ ઇંગ્લેન્ડના કલાક્ષેત્રનો વિચાર કરીએ તો નટુભાઇની તસવીર આંખ સમક્ષ ખડી થઇ જાય. ઊંચો, પાતળો દેહ, આંખો પર ચશ્મા અને કીકીઓમાંથી છલકાતો સ્નેહ, આત્મવિશ્વાસ કૂટીકૂટીને ભરેલો અને નવી-નવી યોજનાઓ બનાવી એને સાકાર કરવા પ્રયત્નશીલ એવા એ નોખાં માનવીએ જીવનમાં કેટલીય ચડતી-પડતી જોઇ છે છતાં એમના વ્યવહારમાં સદાય લાગણીની ભીનાશ અને વાણીમાં મીઠાશ સદા વરસતા જોવા મળે. એમની વાતોમાં દંભનો છાંટો નહિં. અનેકોને મદદરૂપ બનવા તત્ત્પર. મિત્રો માટે તો માથું આપી દે એવા.
આવા ખમતીધર માનવીને આપણે સદેહે ગુમાવ્યા પરંતુ ઇંગ્લેન્ડની ભૂમિના ગુજરાતી રંગમંચ અને કલાક્ષેત્રના ઇતિહાસમાં એમનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત રહેશે.
આવા એક કલાજીવને અંજલિ અર્પતા ‘ગુજરાત સમાચાર’ ગૌરવ અનુભવે છે. સદ્ગત આત્માની શાંતિ અને સદ્ગતિ માટે પરમાત્માને પ્રાર્થના.


