લંડનઃ ભારતીય હાઇ કમિશન ખાતે યુકેના કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત સંયુક્ત કાર્યક્રમમાં સેક્રેટરી ઓફ કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ લિસા નેન્ડીએ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પતાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમણે બ્રિટિશ સરકાર વતી પીડિતો પ્રત્યે ઊંડા શોક અને સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરી હતી. નેન્ડીએ જણાવ્યું હતું કે, વિશ્વ ભયાનક આતંકવાદી હુમલાઓ સામે ઝઝૂમી રહ્યું છે. આ સમય અત્યંત મુશ્કેલ છે.
તેમણે જણાવ્યું હતું કે, સરહદ પારથી કરાયેલા આ અત્યંત ઘાતકી અને અમાનવીય હુમલામાં નિર્દોષ જિંદગીઓ હોમાઇ છે. હું યુકે સરકાર વતી પીડિત પરિવારોને દિલસોજી પાઠવું છું. ન્યાય અને શાંતિ માટે અમે તેમની સાથે ઊભા છીએ.
તેમણે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેના સંબંધ હંમેશથી ગાઢ અને મજબૂત રહ્યાં છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મિત્રો અત્યંત મહત્વના છે. વડાપ્રધાન કેર સ્ટાર્મરે પણ જણાવ્યું છે કે આ શોકના સમયમાં અમે ભારતની સાથે મજબૂતાઇથી ઊભા છીએ.