લંડન: વિશ્વના તમામ દેશોના મુસ્લિમ સંસ્થાનોમાં મહિલાઓની ભાગીદારી ભલે નહિવત્ જોવા મળતી હોય, પણ બ્રિટનના મુસ્લિમ સમાજે આ દિશામાં મોટું પગલું ભર્યું છે. બ્રિટનની મસ્જિદો, મદરેસાઓ તથા મુસ્લિમ સંગઠનોની સૌથી મોટી સંસ્થા મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન (એમસીબી)નું સુકાન ઝારા મોહમ્મદને સોંપાયું છે. ૨૨ વર્ષ જૂની આ કાઉન્સિલમાં સેક્રેટરી જનરલ તરીકે કાર્યભાર સંભાળનાર ઝારા પ્રથમ મહિલા છે.
ગ્લાસગોમાં રહેતાં ૨૯ વર્ષીય ઝારા વ્યવસાયે ટ્રેનિંગ-ડેવલપમેન્ટ એડવાઇઝર છે. હ્યુમન રાઇટ્સ લોમાં માસ્ટર ડિગ્રી ધરાવતાં ઝારા કાઉન્સિલમાં સૌથી યુવા છે. તેમનો કાર્યકાળ ૨ વર્ષનો રહેશે. સેક્રેટરી જનરલની ચૂંટણી એમસીબીના વાર્ષિક અધિવેશનમાં થઇ હતી. આ પદ માટે ઝારાનો મુકાબલો અજમલ મસરુર સાથે હતો, જેઓ ઇમામ હોવા ઉપરાંત શિક્ષક અને બ્રોડકાસ્ટર પણ છે. લંડનના મેયર સાદિક ખાન કહે છે કે મારો અભિગમ સ્પષ્ટ છે. કાઉન્સિલ પ્રતિનિધિત્વના મામલે વૈવિધ્યપૂર્ણ હોવી જોઇએ. બ્રિટિશ મુસ્લિમોને સારા કામ માટે પ્રેરવાની જરૂર છે. આ ભૂમિકા માટે ઝારાનું સેક્રેટરી જનરલ બનવું ઘણું આવકાર્ય છે.
પહેલું લક્ષ્ય કોરોના સામેની લડાઇમાં મદદ
ઝારા મોહમ્મદ અગાઉ જ ઘોષણાપત્રમાં જાહેર કરી ચૂક્યા છે કે રૂઢિવાદી વિચારોના બદલે પોતે સમુદાયમાં કોરોના મહામારીનો વ્યવહારુ ઉકેલ શોધવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે તે ફેક ન્યૂઝ અંગે લોકોને જાગૃત કરવાનું તથા કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવાને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. આથી મુસ્લિમ સમાજને કોરોના સામે બચાવના રસીકરણમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનું કામ તે ચોક્કસપણે કરશે.
સંસ્થામાં વિવિધતા માટે મહિલાઓ જરૂરી
ઝારા મોહમ્મદે કહ્યું હતું કે આટલી મોટી ભૂમિકા અને સંસ્થાને આગળ ધપાવવા માટે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તેના માટે હું આભારી છું. સંસ્થાએ મહિલાઓને તક આપવા અને ભવિષ્યમાં તેમના સહકારથી આગળ વધવા મારા જેવી યુવતીને પસંદ કરી છે. હવે માત્ર આપણે આગળ જોવાની જરૂર છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે મહિલાઓ યોગ્યતા તો ધરાવતી હોય છે, પણ ક્યારેક નેતૃત્ત્વ સંભાળવામાં સંકોચ રાખે છે. પરિષદના કામોમાં વિવિધતાની દૃષ્ટિએ યુવા વર્ગને, ખાસ કરીને વધુમાં વધુ મહિલાઓને સામેલ કરવી જરૂરી છે.


