લંડનઃ યુકેની સૌથી મોટી મુસ્લિમ એકછત્રી સંસ્થા મુસ્લિમ કાઉન્સિલ ઓફ યુકે દ્વારા ભગવા ઝંડાને કટ્ટરવાદી ગણાવાતા લેસ્ટરમાં હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગયા સપ્તાહમાં લેસ્ટરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે કાર રેલીમાં બે કાર પર ભગવા ઝંડા ફરકાવવામાં આવ્યા હતા.
મુસ્લિમ કાઉન્સિલે 28 ઓગસ્ટના રોજ જારી કરેલા નિવેદનમાં સત્તાવાળાઓ સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માગ કરતાં જણાવ્યું હતું કે, ભગવા ઝંડા હિન્દુત્વ સાથે સંકળાયેલા છે જેના કારણે સ્થાનિક સમુદાયોમાં ચિંતાનું મોજું પ્રવર્તી રહ્યું છે.
લેસ્ટર પોલીસમાં 40 હિન્દુ સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપે રજૂ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ કાઉન્સિલનું નિવેદન તદ્દન ખોટું, ઉશ્કેરણીજનક અને હિન્દુ સમાજ વિરોધી છે. કાઉન્સિલે હિન્દુ ધર્મના સૌથી પવિત્ર ગણાતા પ્રતીકો પૈકીના એકનું ખોટું અર્થઘટન કર્યું છે. મુસ્લિમ કાઉન્સિલનું નિવેદન હિન્દુઓ પ્રત્યેની નફરતમાં વધારો કરશે જેના કારણે કોમી સંવાદિતા જોખમાશે.
ગ્રુપના સંયોજક વિનોદ પોપટે જણાવ્યું હતું કે, ભગવો ઝંડો હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતીક છે. ભગવો ઝંડો શાંતિ, બલિદાન, સાહક અને સત્યને રજૂ કરે છે. પવિત્ર પ્રતીકને કટ્ટરવાદ સાથે સાંકળવું ઉચિત નથી. યુકેના કાયદામાં અપાયેલી ધાર્મિંક સ્વતંત્રતાની પણ વિરુદ્ધ છે.


