મુસ્લિમ ચેરિટીઝ બંધ થવાનું જોખમઃ ઈયુ દેશોમાં જ પેમેન્ટ કરી શકાશે

Tuesday 27th October 2020 14:57 EDT
 

લંડનઃ મુસ્લિમ ચેરિટીઝ ફોરમ (MCF)એ ચેતવણી આપી હતી કે યુરોપિયન યુનિયન બહાર લાભાર્થીઓને નાણા મોકલવા પર બેંકો પ્રતિબંધ મૂકવાની હોવાથી ચેરિટીઝને તેમનું કામકાજ બંધ કરવાની ફરજ પડે તેવી શક્યતા છે. શરિયાના નિયમોના પાલન સાથે કાર્યરત અલ રાયન બેંકે પત્ર પાઠવીને ચેરિટીઝને જણાવ્યું કે આાગામી નવેમ્બર પછી ઈયુ બહારના પાર્ટનરોને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ મોકલવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

અલ રાયન બેંકના આ પત્ર વિશે સૌ પ્રથમ 5Pillars ન્યૂઝ વેબસાઈટ દ્વારા અપાયેલી માહિતીમાં વધુમાં જણાવાયું હતું કે, ઈયુની અંદરની ચેરિટીઝને પેમેન્ટ કરી શકાશે. નવા નિયંત્રણોથી આંતરરાષ્ટ્રીય એકાઉન્ટ્સમાં નાણા ટ્રાન્સફર કરવામાં બિઝનેસીસ અને ચેરિટીઝને મુશ્કેલી નડશે. આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સુવિધામાં ફેરફારની આ જાણ બિઝનેસ બેંકિંગની શરતો અને નિયમ મુજબ કરવામાં આવી હતી. MCF દ્વારા જણાવાયું હતું કે તે આ મુદ્દો ચેરિટી કમિશન સમક્ષ ઉઠાવશે. જોકે, અલ રાયન બેંકે આ નિયમ અમલી બનાવવાના કારણ વિશે કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

MCFના ચીફ એક્ઝિક્યુટિવ ફદી ઈતાનીએ સિવિલ સોસાયટી ન્યૂઝને જણાવ્યું હતું કે આ નવા નિયમોને કારણે કેટલીક ચેરિટી બંધ થઈ જશે કારણ કે તેઓ દુનિયાના વિવિધ દેશોમાં ચાલી રહેલા તેમના વિકાસકાર્યોને ફંડ પૂરું પાડી શકશે નહિ. ઈતાનીએ ઉમેર્યુ હતું કે મુખ્ય પ્રવાહની બેંકોના વ્યવહારથી વધતી હતાશાને લીધે છેલ્લાં ઉપાય તરીકે મુસ્લિમ ચેરિટીઝે અલ રાયનનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું.

અલ રાયનને ક્લિયરિંગની સુવિધા પૂરી પાડતી લોઈડ્ઝ બેંકે જણાવ્યું કે અલ રાયન તેમના ગ્રાહકો સાથે કેવી રીતે કામ કરે છે તેના વિશે તે કોઈ ટિપ્પણી કરશે નહિ.




to the free, weekly Gujarat Samachar email newsletter