લંડનઃ બહુપત્નીત્વના કારણે કેટલીક કોમ્યુનિટીઓમાં મુસ્લિમ પુરુષો દરેક પત્ની દ્વારા ૨૦ બાળક ધરાવતા હોવાનું ક્રોસ બેન્ચ ઉમરાવ બેરોનેસ કેરોલિન કોક્સે જણાવ્યું છે, બેરોનેસે આપેલી ચેતવણી અનુસાર શરિયા કાયદાના કારણે મુસ્લિમ સ્ત્રીઓ આઘાતજનક ભેદભાવનો શિકાર બની રહી છે. માત્ર ત્રણ વખત તને તલ્લાક આપું છું બોલીને પુરુષો સ્ત્રીઓ સાથે લગ્નને ફોક કરી શકે છે. આ બાળકો આગળ જતા કટ્ટરવાદ સાથે સંકળાઈ શકે છે.
ઉમરાવ બેરોનેસ કોક્સે બ્રિટનમાં મુસ્લિમ સ્ત્રીઓ પર ઈસ્લામિક શરિયા કાયદાની અસરના આઘાતજનક ઉદાહરણો રજૂ કર્યા હતાં. તેમણે સમાનતાના બ્રિટિશ કાયદા અન્વયે આ સ્ત્રીઓને વ્યાપક રક્ષણ પ્રદાન કરવાની હાકલ પણ કરી હતી. તેમણે એક કેસ રજૂ કર્યો હતો, જેમાં ૬૩ વર્ષના મુસ્લિમ પુરુષે પોતાની ૨૩ વર્ષની પત્નીને તલ્લાક આપવા અને વિઝાની જરૂરિયાત ધરાવતા પાકિસ્તાની પુરુષ સાથે તેના લગ્ન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીનાં ફરી લગ્ન થઈ શકે તે માટે યોનિપટલનું ઓપરેશન કરી તે કુંવારી જણાય તેમ કરવા તેણે ગાયનેકોલોજિસ્ટને જણાવ્યું હતું. આ વ્યવસ્થાથી તે પુરુષને £૧૦,૦૦૦નો ફાયદો થવાનો હતો.
સ્વતંત્ર ક્રોસ બેન્ચ ઉમરાવ બેરોનેસ કોક્સે જણાવ્યું હતું કે,‘બ્રિટનમાં આશરે ૧૦૦,૦૦૦ દંપતી ઈસ્લામિક લગ્ન વ્યવસ્થાથી જોડાયેલાં છે, જે ઈંગ્લિશ કાયદા હેઠળ માન્ય નથી. માત્ર એક જ કાયદો હોઈ શકે તેવો આગ્રહ રાખવા આપણે તૈયાર રહેવું જોઈએ.’ બ્રિટન મુસ્લિમ દેશો કરતા તદ્દન અલગ હોવાનું કહેતા માઈગ્રેશનવોચના ચેરમેન લોર્ડ ગ્રીન ઓફ ડેડિંગ્ટને ઉમેર્યું હતું કે, ‘અહીં આવનારાએ આ સ્વીકારવું જ રહ્યું.’