લંડનઃ મસ્જિદો, મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટરો અને મુસ્લિમ ફેઇથ સ્કૂલોની સિક્યુરિટી માટે સ્ટાર્મર સરકારે વધારાના 10 મિલિયન પાઉન્ડની ફાળવણીની જાહેરાત કરી છે. આ અંતર્ગત હેટ ક્રાઇમને રોકવા સુરક્ષાના પગલાં તરીકે સીસીટીવી, અલાર્મ સિસ્ટમ, ફેન્સિંગ અને સિક્યુરિટી પર્સનલ ઉપલબ્ધ કરાવાશે. આ વધારાના ભંડોળથી વધુ મુસ્લિમ ઇમારતોને સુરક્ષા પ્રદાન કરાશે. અત્યાર સુધી સરકાર દ્વારા 29.4 મિલિયન પાઉન્ડની ફાળવણી કરાતી હતી.
4 ઓક્ટોબરના રોજ ઇસ્ટ સસેક્સમાં પીસહેવન મોસ્ક ખાતે આગજનીની ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ગયા સપ્તાહમાં મોસ્કની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટનને સહિષ્ણુ દેશ હોવાનું ગૌરવ છે. કોઇપણ સમુદાય પરનો હુમલો સમગ્ર દેશ અને તેના મૂલ્યો પરનો હુમલો છે. આ ભંડોળથી મુસ્લિમ સમુદાયને વધુ સુરક્ષા પ્રદાન કરી શકાશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું ઇચ્છું છું કે બ્રિટનનું તમામ માટે નિર્માણ થાય. મારી સરકાર દરેકને સુરક્ષા આપવા પ્રતિબદ્ધ છે.


