લંડનઃ યુકેના અગ્રણી ઇમામ વકીલો, ડોક્ટર, અર્થશાસ્ત્રી અને ચેરિટી સંસ્થાઓ સાથે ચર્ચા કરી રહ્યાં છે જેથી એવી રાષ્ટ્રીય સંસ્થાઓની રચના કરી શકાય જે બ્રિટનના મુસ્લિમો માટે અવાજ ઉઠાવે અને સરકાર સમક્ષ રજૂઆત કરે. જો મુસ્લિમો આ પ્રકારનો પ્રયાસ કરી શક્તાં હોય તો બ્રિટનના હિન્દુ અને ભારતીય અગ્રણીઓ આ પ્રકારનો પ્રયાસ શા માટે ન કરી શકે.
એક પછી એક આવતી સરકારોએ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન સહિતના સંગઠનો સાથે ચર્ચા વિચારણાનો ઇનકાર કર્યો છે જેના કારણે એક શૂન્યાવકાશ સર્જાયો હોવાની ચેતવણી મુસ્લિમ અગ્રણી ઉચ્ચારી રહ્યાં છે. બ્રિટિશ મુસ્લિમોને અસર કરતા મુદ્દાઓ પર કોની સાથે ચર્ચા કરવી તે અંગે પણ સરકાર નિશ્ચિત નથી. મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના નવા નેતાની ચૂંટણી થવા જઇ રહી છે. તેના બે ઉમેદવારે લેબર સરકારને સંગઠન સાથે ચર્ચા કરવા જણાવ્યું છે પરંતુ સરકાર તરફથી હજુ કોઇ સકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી.
એક ઉમેદવાર ડો. મોહમ્મદ વાજિત અખ્તેરે જણાવ્યું હતું કે, જો સરકાર દેશની સૌથી મોટી લઘુમતીની એકછત્રી સંસ્થા સાથે ચર્ચા કરવા ન ઇચ્છતી હોય તો તે તેની મરજી છે. અમે ભીખ માગવાના નથી. અન્ય સંગઠનો છે પરંતુ તેઓ બ્રિટનના 3.8 મિલિયન મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતાં નથી.

