મુસ્લિમોના વિરોધ બાદ મિડલેન્ડ્સમાં ધ કેરાલા સ્ટોરીનું સ્ક્રિનિંગ સ્થગિત કરાયું

લેસ્ટરમાં થિયેટરના મેનેજરને ફિલ્મનું સ્ક્રિનિંગ અટકાવવા ફોન પર ધમકીઓ અપાઇ

Tuesday 30th May 2023 11:51 EDT
 
 

લંડનઃ સ્થાનિક મુસ્લિમ સમુદાયો તરફથી મળેલી ફરિયાદો બાદ બ્રિટનમાં મુખ્યત્વે મિડલેન્ડ્સમાં સક્રિય એવી ત્રણ સિનેમા ચેઇને ધ કેરાલા સ્ટોરીનું સ્ક્રિનિંગ અટકાવી દીધું છે. યુકેની ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર ચેઇન 24સેવન ફ્લિક્સફોરયુના ડિરેક્ટર સુરેશ વરસાણીએ જણાવ્યું હતું કે, સ્વતંત્ર સિનેમાચેઇન લાઇટ સેનિમાએ વાલસોલ અને બ્રાડફોર્ડમાં શુક્રવારથી પાંચ થિયેટરોમાં શરૂ થનારું ધ કેરાલા સ્ટોરીનું સ્ક્રિનિંગ અટકાવી દીધું છે. રીલ સિનેમાએ પણ બર્નલી અને બ્લેકબર્ન ખાતેના થિયેટરોમાં શુક્રવારથી શરૂ થનારું સ્ક્રિનિંગ સ્થગિત કરી દીધું હતું. મિડલેન્ડ્સમાં શોકેસ સેનિમા ચેઇને પહેલાં આ ફિલ્મના સ્ક્રિનિંગની જાહેરાત કરી હતી પરંતુ હજુ તે દિશામાં આગળ વધી રહી નથી.

આ સિનેમા ચેઇનોએ જણાવ્યું હતું કે, અમને સ્થાનિક મુસ્લિમ સમુદાયો તરફથી ઘણી ફરિયાદો પ્રાપ્ત થઇ છે અને અમે આ માટે તેમની માફી મગી છે. એક સિનેમા ચેઇને જણાવ્યું હતું કે, અમને સાઇટ મેનેજરો તરફથી નકારાત્મક મંતવ્યો પ્રાપ્ત થયાં છે અને સ્થાનિક મુસ્લિમ સમુદાયે આ ફિલ્મનું સ્ક્રિનિંગ ન કરવા અપીલ કરી છે.

વરસાણીએ જણાવ્યું હતું કે, સિનેવર્લ્ડ, ઓડિઓન અને વ્યૂએ ધ કેરાલા સ્ટોરીનું સ્ક્રિનિંગ જારી રાખ્યું છે પરંતુ સિનેવર્લ્ડ મુસ્લિમોની વસતી નહીંવત હોય તેવા જ વિસ્તારોમાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ કરી રહી છે. સિનેમા ચેઇનોએ તેમના સ્ટાફની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. લેસ્ટરમાં પિકાડિલી સિનેમાએ સ્થાનિક મુસ્લિમોના વિરોધ છતાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ જારી રાખ્યું છે. ફિલ્મના પહેલા શો પહેલા આ થિયેટરના મેનેજરને ધમકીભર્યા ફોન પણ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter