લંડનઃ યુકેમાં મોટાપાયે મૂડીરોકાણ કરવામાં સક્ષમ વિદેશી નાગરિકોને સ્પેશિયલ વિઝા જારી કરવા સ્ટાર્મર સરકાર વિચારણા કરી રહી છે. કરવેરામાં વધારાના કારણે અમીરોના યુકેમાંથી પલાયન અને નવા ઇમિગ્રેશન નિયમોના કારણે થનારા આર્થિક નુકસાનને ઘટાડવા આ પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું મનાય છે.
ગયા સપ્તાહમાં જારી કરાયેલા નવા ઇમિગ્રેશન નિયમો અંતર્ગત સરકાર વિદેશી કંપનીઓને હાલના નિયમ કરતાં બમણા સીનિયર કર્મચારી યુકેમાં મોકલવાની પરવાનગી આપશે. હાલના નિયમો પ્રમાણે વિદેશી કંપની 3 વર્ષ માટે પાંચ મેનેજરને બ્રિટનમાં લાવી શકે છે.
છેલ્લા એક દાયકામાં જે રીતે મિલિયોનર્સ લંડનમાંથી પલાયન કરી રહ્યાં છે તે જોતાં યુકેએ 1.5 મિલિયન ટેક્સ પેયર્સ ગુમાવ્યાં છે. 2014થી અત્યાર સુધીમાં લંડનમાંથી 30,000 મિલિયોનર્સ વિદેશમાં સ્થળાંતર કરી ગયાં છે. છેલ્લા 12 મહિનામાં 11,000 મિલિયોનર્સ પલાયન કરી ગયાં છે.