લંડનઃ વયોવૃદ્ધ દંપતી ફ્રાન્ક ગોલેન્ડ અને તેમની પત્ની સ્યુ સાથે 130,928 પાઉન્ડની યુરોમિલિયન્સ લોટરી જીતવા બાબતે છેતરપીંડીનો પ્રયાસ કરવાં બદલ મૂળ પંજાબી શોપ મેનેજર નરેન્દ્ર ગિલને લીડ્ઝ ક્રાઉન કોર્ટ દ્વારા 4 માર્ચ શુક્રવારે 28 મહિનાની કેદની સજા ફરમાવાઈ છે. ગોલેન્ડ લોટરીની ટિકિટમાં મોટું ઈનામ જીત્યા હતા પરંતુ ગિલે તેઓ ટિકિટ જીત્યા ન હોવાનું જણાવ્યું હતું અને ખુદ ટિકિટ રાખી લઈ ઈનામનો દાવો રજૂ કર્યો હતો. ગિલે કોર્ટમાં ગુનો કબૂલ કર્યો હતો.
વેસ્ટ યોર્કશાયરના લીડ્ઝના શોપિંગ સેન્ટરમાં GT News શોપ ચલાવતી મેનેજર નરેન્દ્ર ગિલે યુરોમિલિયન્સ લોટરી ટિકિટના ઈનામ વિશે માહિતી લેવા આવેલા 81 વર્ષીય નિવૃત્ત ડિલિવરીમેન ફ્રાન્ક ગોલેન્ડ અને તેમની પત્નીને તેમની લકી ટિકિટ પર કોઈ ઈનામ નહિ લાગ્યું હોવાનું જણાવ્યું હતું. વાસ્તવમાં ગોલેન્ડને 130,928 પાઉન્ડનું બીજું ઈનામ લાગ્યું હતું. ગિલે ઈનામી ટિકિટ પોતે રાખી લીધી હતી અને ગોલેન્ડ દંપતી નિરાશા સાથે શોપમાંથી જતાં રહ્યાં હતાં.
આ પછી, યોર્કની રહેવાસી 52 વર્ષીય ગિલે યુરોમિલિયન્સ લોટરીની સંચાલક કંપની કેમલોટની કસ્ટમર કેર સર્વિસમાં કોલ કરી લોટરી જીત્યાનો દાવો કર્યો હતો. તેણે લીડ્ઝમાં વ્હાઈટ રોઝ શોપિંગ સેન્ટરમાં જીટી ન્યૂઝમાં કામ કરતી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે તેને કોઈએ લોટરીની ટિકિટ ભેટ આપી હતી અને ટિકિટ ક્યાંથી ખરીદાઈ છે તેની જાણ નથી. કેમલોટને આ દાવા પર શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી.
પોલીસે ગોલેન્ડ સાથે થયેલી છેતરપિંડી ખુલ્લી પાડી હતી અને નિવૃત્ત ડિલિવરી મેન ગોલેન્ડને લોટરી જીત્યાની માહિતી આપી હતી. આ જાણ થતાં જ તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. ફ્રાન્ક અને સ્યૂને ગત નવેમ્બરમાં તેમના ઈનામની રકમ મળી હતી જેમાંથી તેમણે દેવું ચૂકવી નવી કાર ખરીદી હતી, પરિના સભ્યોને પણ થોડી રકમ આપી હતી. હવે તેઓ આરામથી જીવન વીતાવી રહ્યા છે.


