લંડનઃ બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) બ્રેક થ્રુ પ્રોડ્યુસર૨૦૨૧ની યાદીમાં મૂળ સુરતના અને હાલ લંડનસ્થિત અભિનેત્રી, દિગ્દર્શક અને પ્રોડ્યુસર રજિતા શાહની પસંદગી થઇ છે, આ યાદીમાં યુ.કે.માં કામ કરતા ૨૫ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, લેખક, સિનેમેટોગ્રાફર્સનો સમાવેશ થાય છે અને એક દશકાથી ફિલ્મનિર્માણ ક્ષેત્ર સાથે સંકળાયેલા રજિતા શાહ ૨૦૨૧માં સન્માન મેળવનાર એકમાત્ર ભારતીય છે. બાફ્ટા દર વર્ષે બે આર્ટિસ્ટને હાઈ રેન્કિંગ માટે પસંદ કરે છે.
સુરતની પ્રસિદ્ધ ગાર્ડન મિલ્સના ઉદ્યોગપતિ રાજન શાહ અને મીતા શાહની પુત્રી રજિતા યુ.એસ.માં સ્કૂલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ અને રોયલ હોલોવે યુનિવર્સિટી ઓફ લંડનની પ્રોડક્શન અને ફિલ્મ નિર્માણની ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે. તેમણે શોર્ટ ફિલ્મ અને દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો હતો પરંતુ, કારકિર્દી પ્રોડક્શન ક્ષેત્રે બનાવી છે. પ્રોડક્શનમાં માસ્ટર્સના અભ્યાસ પછી રજિતા શાહે લંડનમાં સ્વતંત્ર પ્રોડયુસર તરીકે મિરાજ ફિલ્મ્સ કંપની શરૂ કરી અને સૌપ્રથમ ‘ઝોહરા: અ મોરોક્કન ફેરી ટેઇલ’નું નિર્માણ કર્યું હતું. આ પછી, ૨૦૨૦માં ‘લવ સારાહ’ ફિલ્મની ભારે સફળતાના પગલે તેમનું નામ ટોચના પ્રોડયુસરમાં ઉમેરાયું હતું. તેમણે ભારતમાં પણ ‘લડ્ડુ’ નામે શોર્ટ ફિલ્મ તૈયાર કરી હતી જેને, વિવિધ કેટેગરીમાં સન્માન પ્રાપ્ત થયું હતું. યોગ્ય ભારતીય પ્રતિભાઓ સાથે કામ કરવાને ઈચ્છુક રજિતા ભારત અને વિદેશમાં ભારતીય સમુદાયની રજૂઆત કરવા માગે છે
રજિતા શાહે કલ્પના પણ કરી ન હતી કે ટર્નર ક્લાસિક પર વિન્ટેજ હોલીવૂડ ફિલ્મ્સ નિહાળવાનું વળગણ તેનાં સ્વપ્ન સાકાર કરવાનો માર્ગ મોકળો બનાવી દેશે. રજિતા આઠ વર્ષની હતી ત્યારથી કવિતાઓ લખતી આવી છે. તે ૧૦ વર્ષની થઈ ત્યારે પિતાએ તેને કેમેરા અપાવ્યો હતો. આ પછી તેમણે પાછું વળીને જોયું નથી. બાળપણથી જ પૌરાણિક કથા વિષયોમાં રસ ધરાવવા સાથે ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઇચ્છતાં રજિતા શાહ તેમના સ્વપ્નાં પૂર્ણ કરવા માટે ૧૬ વર્ષની ઉંમરમાં મુંબઇ આવી ગયાં હતાં. ફિલ્મનિર્માણ ક્ષેત્રે દિગ્દર્શક બનવાની ઈચ્છા છતાં, રજિતા શાહને તેમની પ્રતિભા પ્રોડક્શનમાં વધારે ખીલશે તેનો અહેસાસ થઈ ગયો હતો.
રજિતા શાહે કહ્યું હતું કે, ‘બાફ્ટા બ્રેક થ્રુ તેણે છેલ્લા ૧૦ વર્ષમાં કરેલા કામની ઓળખ છે. રોમેન્ટીક કોમેડી ફિલ્મ ‘લવ સારાહ’ની ૬૦ દેશમાં કદર કરાઈ છે. હાલ બે પ્રોજેક્ટ પર કામ કરી રહી છું, જેમાં ૧૯૨૩થી ૧૯૭૦ના દશક સુધી યુકેમાં મહિલા ફૂટબોલની એક સુંદર વાસ્તવિક જીવનની કહાની પર ફિલ્મ બનાવીશ.’ રજિતા શાહના લગ્ન પંજાબી પરિવારમાં થયા છે અને તેમનો પતિ પણ મિરાજ ફિલ્મ્સના સંચાલનમાં છે. દંપતીને એક દીકરી પણ છે.
તેમના બે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુર્સ પારસ મહેતા અને કાર્તિક શાહ પણ સુરતના છે તેમજ ‘We Endless Numbered Days’ અને ‘Kika & Me’ નવલકથાઓને કચકડામાં કંડારવા ઈચ્છે છે.


