લંડનઃ વિડનેસના ૧૪ વર્ષના તરુણ ઐડાન જેક્સને તેની ૧૫ વર્ષીય મૃત મિત્ર ઓલિવિયા વોકરના સન્માન અને તેની યાદમાં ફાઉન્ડેશન માટે નાણા એકત્ર કરવા માટે સ્પોર્ટ્સ સિલેક્ટ સ્ટેડિયમમાં આઠ કલાકમાં ૧૦,૫૦૦ ટેડી બેરને ખુરશીઓ પર બેસાડવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે. એડાને આ ટેડી બેર શુભેચ્છકો પાસેથી એકત્ર કર્યા હતા અને કેટલાંક રમકડાં તો ચીનથી પણ મેળવાયાં હતા.
કિર્કબીના બ્લુબેલ પાર્કની વિદ્યાર્થિની ઓલિવિયા વોકર અને ઐડાનની મુલાકાત સ્થાનિક સ્વિમિંગ પૂલ ખાતે થઈ હતી. બે વર્ષ અગાઉ, ડિસેબિલિટીઝથી સર્જાયેલાં કોમ્પ્લિકેશનના લીધે ઓલિવિયાનું મૃત્યુ થતાં ઐડાને તેની સ્મૃતિમાં કશુંક વિશેષ કરવા નિર્ણય લીધો હતો. તેણે ઓલિવિયા એલિસ ફાઉન્ડેશન સ્થાપી પરિવાર સાથે મળી ૨,૬૦૦ પાઉન્ડ એકત્ર કર્યા હતા. તેણે આ વર્ષે ત્રણ મહિનામાં ઈંગ્લિશ ચેનલના જેટલું અંતર તરીને ચેરિટી માટે ૬,૫૦૦ પાઉન્ડ એકત્ર કર્યા હતા.
ઐડાન કહે છે કે ઓલિવિયાને સ્ટફ્ડ એનિમલ્સ ઘણાં ગમતાં હતાં અને સ્ટેડિયમમાં આટલી સંખ્યામાં ટેડી બેર જોઈને તે રાજી થઈ હશે. એક મહિલાએ ૫૦૦ ટેડી દાનમાં આપ્યાં હતાં. લોકો હજુ પણ ‘Aidan’s Teddy Bear Challenge GoFundMe’ પેજ મારફત દાન આપે છે.


