લંડનઃ મૃતદેહોની પરંપરાગત અંતિમવિધિના સ્થાને હવે યુકેમાં અલગ પ્રકારની અંતિમવિધિનો પ્રારંભ થઇ રહ્યો છે. કો-ઓપ ફ્યુનરલ કેરે નવા પ્રકારની અંતિમવિધિ ઓફર કરતી યોજનાની જાહેરાત કરી છે. યુકેની સૌથી મોટી ફ્યુનરલ પ્રોવાઇડર કંપનીએ તે આ વર્ષના અંત સુધીમાં રિઝોમેશન એટલેકે પાણી અથવા તો આલ્કલાઇન હાઇડ્રોલિસિસમાં થતી અંતિમવિધિનો પ્રારંભ કરશે.
આ પ્રકારની અંતિમવિધિ અંતર્ગત મૃતદેહને બાયોડિગ્રેડેબલ પાઉચમાં પેક કરીને દબાણયુક્ત પાણી અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવતા કન્ટેનરમાં મૂકાશે. આ પદ્ધતિમાં શરીરના ટિશ્યૂ અને સેલ ઝડપથી માઇક્રોમોલિક્યુલ્સના સોલ્યૂશનમાં તબદિલ થઇ જાય છે. તેમાં એક સાયકલ પૂરી થતાં ફક્ત 4 કલાક લાગે છે. અસ્થિઓ સૂકાઇને સફેદ પાઉડરમાં તબદિલ થઇ જાય છે. જે મૃતકોના સંબંધીઓને આપી શકાશે.
રિસર્ચ જણાવે છે કે રિઝોમેશન અંતિમવિધિનો સૌથી સુરક્ષિત વિકલ્પ છે કારણ કે તેમાં ઝેરી ગેસ, હવા અને પાણીના પ્રદૂષકો મુક્ત થતાં નથી. અંતિમવિધિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ઝેરી ગેસ મુક્ત થતાં હોય છે. દફનવિધિના કારણે ભૂજળ પ્રદૂષિત થવાની સંભાવના રહેલી છે.
કો-ઓપ દ્વારા દર વર્ષે 93000 અંતિમવિધિ કરાય છે. કંપનીએ તેની આ યોજના અંગે સરકારને પણ માહિતી આપી છે. જોકે અંતિમવિધિની નવી પદ્ધતિઓ સામે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની સિનડ દ્વારા વિરોધ કરાયો હતો.


