લંડનઃ યુકેમાં સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં સર્વિસ સેક્ટરના વિસ્તરણ અને કન્સ્ટ્રક્શનમાં આવેલા વેગના કારણે મે મહિનામાં અર્થતંત્રે છેલ્લા બે વર્ષની સૌથી ઝડપી વૃદ્ધિ જોઇ છે. સત્તાવાર આંકડા પ્રમાણે મે મહિનામાં જીડીપી વૃદ્ધિદર 0.4 ટકા રહ્યો હતો. અર્થશાસ્ત્રીઓએ જીડીપી વૃદ્ધિદર 0.2 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું. 3 મહિનાની વાત કરીએ તો જીડીપીમાં 0.9 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જણાવ્યું હતું કે, મે મહિનામાં જીડીપીમાં વૃદ્ધિ માટે સર્વિસ સેક્ટરનું યોગદાન પ્રભાવી રહ્યું હતું. સર્વિસ સેક્ટરમાં 0.3 ટકા, કન્સ્ટ્રક્શન સેક્ટરમાં 1.9 ટકાની વૃદ્ધિ થઇ હતી. ઓવરઓલ પ્રોડક્શનમાં 0.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ વધારો નોંધાયો હતો.
2023ના અંતે મંદી બાદ 2024માં બ્રિટિશ અર્થતંત્ર જી-7 દેશોમાં સૌથી સારી કામગીરી કરી રહ્યું છે. 2024ના પ્રથમ 3 મહિનામાં જીડીપીમાં 0.7 ટકાનો વધારો થયો હતો.

