લંડનઃ લોકડાઉનમાંથી બહાર નીકળવાના રોડ મેપ મુજબ મે મહિનાની ૧૭ તારીખથી વિદેશમાં રજાઓ ગાળવાની પરવાનગી અપાય તેની આશા વધી રહી છે. લોકો ઉનાળામાં રજાઓનું આયોજન કરી શકે અને ગયા વર્ષની અરાજકતામાંથી બચી શકે તે માટે ક્વોરેન્ટાઈન સ્ટેટસ બદલાવાનું જોખમ હોય તેવા દેશોનું ‘વોચલિસ્ટ’ જાહેર કરી દેવાયું છે.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે લોકો હવે વિદેશમાં સમર હોલીડે પ્રવાસ માટે બૂકિંગ કરાવવાનું વિચારી શકે છે તેમ જણાવી સરકારની નવી ટ્રાફિક લાઈટ યોજનાની વધુ વિગતો જાહેર કરી હતી જેમાં વેક્સિનેશન અને કોરોના વાઈરસ કેસ સહિતના ધોરણોને આધારિત દેશોને ગ્રીન, યલો અને રેડ કલરમાં વહેંચાશે. જેના પરિણામે, આવાં દેશોમાંથી પરત આવનારા પ્રવાસીઓએ આઈસોલેટ થવા અને ક્યાં થવા વિશે નિયમો ઘડાશે. જોકે તેમણે કહ્યું હતું કે દેશોને અત્યારથી વર્ગીકૃત કરવાનું કવેળાનું ગણાશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ અનુસાર કેટલાક દેશો ગ્રીનમાંથી યલોમાં ફેરવાય તેને પણ ઓળખી શકાશે જેનાથી પ્રવાસીઓને આગોતરી મદદ મળશે. આમ છતાં, જરુર જણાશે તો વોચલિસ્ટમાં પણ જે તે દેશનું સ્ટેટસ બદલવામાં ટ્રાન્સપોર્ટ જરા પણ ખચકાશે નહિ. મિનિસ્ટર્સ મે મહિનાની શરુઆતમાં જ ૧૭ તારીખથી ટ્રાવેલ શરુ કરી શકાશે કે કેમ તેની જાહેરાત કરશે અને દરેક કલર (ગ્રીન, યલો અને રેડ) આધારિત યાદીમાં દેશોની પ્રથમ યાદી જાહેર કરશે. આ પછી, કોવિડ સંક્રમણ દર, વેરિએન્ટનું પ્રમાણ અને વેક્સિનેશન પ્રોગ્રામ્સના પ્રમાણ જેવા પરિબળોને ધ્યાનમાં લઈ સંભવતઃ ૨૮ જૂન, ૩૧ જુલાઈ અને ૧ ઓક્ટોબરે નિયમિત સમીક્ષા કરાશે
અગાઉ, વડા પ્રધાન જ્હોન્સને ૧૭ મેથી વિદેશના અનાવશ્યક પ્રવાસો ફરી શરુ કરાવા વિશે અટકળો પર ઠંડુ પાણી રેડ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ નસીબના સહારે બંધકોને છોડી દેવા માગતા નથી અને વાઈરસની પુનઃ આયાત થવા બાબતે ચિંતિત છે.