મેં ખોટું કર્યું નથી, બોધપાઠ શીખ્યોઃ કેમરને ‘ગ્રીનસિલ મૌનવ્રત’ તોડ્યું

Wednesday 14th April 2021 06:33 EDT
 
 

લંડનઃ ગ્રીનસિલ કેપિટલ વિવાદમાં સંડોવાયેલા પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને મિનિસ્ટર્સ સાથે લોબીઈંગ મુદ્દે આખરે ‘મૌનવ્રત’ તોડતા કહ્યું હતું કે તેમણે નિયમોની અંદર રહીને જ કામકાજ કર્યું છે પરંતુ, ‘મહત્ત્વના બોધપાઠ’ શીખવાના હોવાની કબૂલાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે અલગ રીતે કાર્ય કરવાની અને સૌથી યોગ્ય સત્તાવાર ચેનલનો ઉપયોગ કરવાની જરુર હતી.

કંપની માટે ચાન્સેલર રિશિ સુનાક, અન્ય બે મિનિસ્ટર્સ, ટ્રેઝરી અને નંબર ૧૦ના વરિષ્ઠ અધિકારીઓને સંદેશાઓ મોકલવા સહિત મહિનાઓનું લોબીઈંગ કરનારા પૂર્વ વડા પ્રધાન કેમરને નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે,‘મેં આચારસંહિતા કે સરકારી નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. મને લાંબો સમય વિચાર્યા પછી લાગ્યું હતું કે મહત્ત્વના બોધપાઠ શીખવાના છે. પૂર્વ વડા પ્રધાન તરીકે હું સ્વીકારું છું કે સરકાર સાથે કોમ્યુનિકેશન્સ માત્ર સૌથી સત્તાવાર ચેનલ્સ મારફત જ કરાવું જોઈએ જેથી ખોટાં અર્થઘટનોનો અવકાશ રહે નહિ.’

જોકે, તેમની કામગીરીનું ખોટું અર્થઘટન કરાયાની દલીલ વેસ્ટમિન્સ્ટરમાં ઘણા લોકો માટે પાયાવિહોણી ગણાશે કારણકે કંપનીના શેરહોલ્ડર તરીકે કેમરનને ગ્રીનસિલ પાસેથી લાખો પાઉન્ડનો ફાયદો થવાનો હતો. જોકે, કંપનીનું પતન થતાં તેમના શેર્સ માત્ર કાગળિયાં બનીને રહી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચાન્સેલર સુનાકે પણ કેમરનને તેમના સંદેશાઓના ઉત્તરમાં જણાવ્યું હતું કે તેઓ આ બાબતે કોઈ વિકલ્પ શોધવા તેમની ટીમને ‘પુશ’ કરી રહ્યા છે. સુનાક અને કેમરન વચ્ચે ફોન પર વાતચીત થઈ હોવાનું પણ કહેવાય છે. કેમરને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને અને ઓસ્ટ્રેલિયન કંપનીના સ્થાપક લેક્સ ગ્રીનસિલ વચ્ચે બેઠક પણ ગોઠવી હોવાના અહેવાલો પણ બહાર આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter