લંડનઃ અત્યાર સુધી ચાલતી વાતોથી વિપરીત મેગને એવો દાવો કર્યો હતો કે પ્રિન્સ હેરી સાથે લગ્ન પહેલા મેં નહિ પરંતુ, ડચેસ ઓફ કેમ્બ્રિજે મને રોવડાવી હતી અને પાછળથી દિલગીરી વ્યક્ત કરવા ફૂલો પણ મોકલ્યાં હતાં. જોકે, ડચેસ ઓફ સસેક્સે ભારપૂર્વક કહ્યું હતું કે તેણે હવે કેટ મિડલટનને માફ કરી દીધાં છે.
મેગનને સમગ્ર વિશ્વમાં હેડલાઈન બનેલી પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટન સાથે ફ્લાવરગર્લ્સના ડ્રેસીસ બાબતે ઝગડા અંગે પ્રશ્ન કરાયો હતો. મે ૨૦૧૮માં વિન્ડસર કેસલમાં હેરી-મેગનના લગ્ન થયાં તે પહેલાની આ ઘટનામાં મેગને કેટને રોવડાવી હોવાના અહેવાલો પ્રસર્યા હતા. જોકે, મેગને ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ખરેખર આનાથી ઉલટું થયું હતું અને હું રોઈ પડી હતી. તે લગ્ન અગાઉનું અતિ વ્યસ્ત સપ્તાહ હતું અને તે (કેટ) કોઈ બાબતે અપસેટ હતી. આ કોઈ ઝગડો ન હતો પરંતુ, હવે તેની વિગતોમાં જવું યોગ્ય પણ નથી કારણકે તેણે પાછળથી હકીકત સ્વીકારી ફૂલો અને નોટ પાઠવી માફી પણ માગી હતી. વિશ્વ સમક્ષ હકીકતથી વિપરીત બહાર આવ્યું તે ખરેખર આઘાતજનક હતું.


