લંડનઃ લેસ્ટરના બ્રાઉનસ્ટોન ટાઉનના પાર્કમાં પોતાના શ્વાન સાથે ફરી રહેલા 80 વર્ષીય ભમ કોહલી પર હુમલો કરી મોત નિપજાવનાર હત્યાના આરોપી 15 વર્ષીય સગીરે જણાવ્યું હતું કે, મેં મારી જિંદગી બરબાદ કરી નાખી છે. તેણે ફરાર થવા માટે તેની માતા પાસે નાણા પણ માગ્યા હતા. જોકે કોર્ટમાં તેણે પોતાના પર મૂકાયેલા આરોપ નકારી કાઢ્યા હતા.
લેસ્ટર ક્રાઉન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, સગીરે ભીમ કોહલીને ધમકીઓ આપી હતી, તેમને મુક્કા અને લાત મારી હતી જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને બીજા દિવસે તેમનું મોત થયું હતું. સગીરે કોહલીની હત્યા બાદ સંખ્યાબંધ ટેક્સ્ટ મેસેજ અને સોશિયલ મીડિયા મેસેજ મોકલ્યાં હતાં અને કેટલાંક કોલ પણ કર્યાં હતાં. જ્યૂરી સમક્ષ સગીરની ફોન એક્ટિવિટી રજૂ કરાઇ હતી.
તેણે મેસેજમાં તેના એક મિત્રને જણાવ્યું હતું કે, મેં તે વ્યક્તિને એક સગીરા સાથે તકરાર કરતાં જોઇ હતી. હું તેની હત્યા કરવા માગતો નહોતો. મેં એક જ લાત મારી પછી મારો ગુસ્સો શાંત થઇ ગયો હતો. મેં મારી જિંદગી બરબાદ કરી નાખી છે. મારું સર્વસ્વ ચાલ્યું ગયું છે.