મેં રાણી સાથે હાથ મિલાવ્યા અને ભગવદ્ ગીતા હાથમાં રાખી શપથ લીધાઃ શૈલેષ વારા

Wednesday 28th September 2022 06:47 EDT
 
 

કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાએ પાર્લામેન્ટમાં સંબોધન દરમિયાન હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ક્વીનની અસાધારણ કર્તવ્યનિષ્ઠા, જાહેર સેવા પ્રતિ કટિબદ્ધતા તેમજ યુકે, કોમનવેલ્થ અને સમગ્રતયા વિશ્વ પર તેમની પ્રભાવક અસર વિશે જણાવ્યું હતું.

શેલૈષ વારાએ જુલાઈ મહિનામાં વિન્ડસર કેસલ ખાતે ક્વીન સાથે તેમની છેલ્લી મુલાકાત વિશે પણ ઉલ્લેખ કર્યો હતો જ્યારે સીલ્સ ઓફ ઓફિસ ફોર નોર્ધર્ન આયર્લેન્ડ મેળવતા પહેલા પ્રીવી કાઉન્સિલમાં તેમને શપથ લેવડાવ્યાં હતા. તત્કાલીન વડાપ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા શૈલેષ વારાને નોર્ધર્ન આયર્લેન્ડ માટેના સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે કેબિનેટમાં નિયુક્તિ અપાયા પછી આ મુલાકાત યોજાઈ હતી.

શૈલેષ વારાએ જણાવ્યું હતું કે,‘મેં તેમની સાથે હાથ મિલાવ્યા અને ભગવદ્ ગીતા હાથમાં રાખી રાજ્યનિષ્ઠાના શપથ લીધા તે સમયનું અદ્ભૂત સ્મિત હંમેશાં મને સ્મરણમાં રહેશે. આ સેરેમની પછી મેં જેના પર શપથ લીધા હતા તે ગીતાનું પુસ્તક રાખવાની મને પરવાનગી અપાઈ હતી.’ વારાએ કહ્યું હતું કે આ પ્રસંગ સૌથી વધુ સ્પેશિયલ એટલા માટે છે કે હર મેજેસ્ટી દ્વારા પ્રીવી કાઉન્સિલમાં શપથ લેવડાવાયા હોય તેવી તેઓ આખરી વ્યક્તિ હતા.

સાંસદ શૈલેષ વારાએ તાજેતરમાં પાર્લામેન્ટમાં કિંગ ચાર્લ્સ ત્રીજા માટે ભગવદ્ ગીતા પર હાથ રાખી રાજ્યનિષ્ઠાના શપથ લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter