મેકરફિલ્ડ પેટાચૂંટણીમાં એન્ડી બર્નહામનો શાનદાર વિજય

વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર બર્નહામે વિજયને રાજનીતિનો 'ટર્નિંગ પોઇન્ટ' ગણાવ્યો

Tuesday 23rd June 2026 10:05 EDT
 
 

લંડનઃ ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર અને લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા એન્ડી બર્નહામે મેકરફિલ્ડ પેટાચૂંટણીમાં આશરે 55 ટકા મતો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજય બ્રિટિશ રાજકારણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે બર્નહામ ચૂંટાઇ આવતાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મર પર પક્ષ અને સરકારના નેતૃત્વને લઈને દબાણ નોંધપાત્ર રીતે વધી ગયું હતું.

વર્ષ 2017માં પ્રાદેશિક રાજકારણમાં સક્રિય થવા માટે સંસદ છોડ્યા બાદ બર્નહામની વેસ્ટમિન્સ્ટરમાં વાપસી લેબર પાર્ટીની ભવિષ્યની દિશા નક્કી કરનારી સાબિત થઈ શકે છે. આ ચૂંટણીમાં બીજા ક્રમે નાઇજલ ફારાઝની રિફોર્મ યુકેને અંદાજે 35 ટકા મત મળ્યા છે. કન્ઝર્વેટિવ, લિબરલ ડેમોક્રેટ અને ગ્રીન પાર્ટીના ઉમેદવારોને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો છે.

વિજય બાદ બર્નહામે આ પરિણામને બ્રિટિશ રાજનીતિ માટે એક ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મતદારોએ વિભાજનની રાજનીતિને નકારીને જનતાના વિશ્વાસને પુનઃસ્થાપિત કરવાના અને સ્થાનિક સમુદાયોના વિકાસના વિઝનને સમર્થન આપ્યું છે. તેમણે લંડનની બહારના પ્રદેશોના અધિકારો માટે સંસદમાં મજબૂત અવાજ ઉઠાવવાની નેમ પણ વ્યક્ત કરી હતી.

આ પરિણામ એવા સમયે આવ્યું છે જ્યારે લેબર પાર્ટી આંતરિક મતભેદો, ઘટતી લોકપ્રિયતા અને નીતિવિષયક ટીકાઓનો સામનો કરી રહી છે. પક્ષના ઘણા સાંસદો બર્નહામને પરંપરાગત શ્રમિક વર્ગના મતદારો સાથે ફરી જોડાવા સક્ષમ એવો લોકપ્રિય ચહેરો માની રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બર્નહામે પોતે પણ સંકેત આપ્યા હતા કે જો પક્ષમાં નેતૃત્વની રેસ શરૂ થશે તો તેઓ તેમાં દાવેદારી નોંધાવવા અંગે વિચાર કરશે. વિશ્લેષકોના મતે બર્નહામની સંસદમાં વાપસી આગામી દિવસોમાં લેબર પાર્ટીની આંતરિક સત્તાના સમીકરણો બદલી શકે છે.

60 વર્ષમાં પ્રથમ વખત સ્કોટિશ પેટાચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો વિજય

આબેરદિન સાઉથ સંસદીય બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર ડગ્લાસ લમ્સડનનો 50 ટકા મતો સાથે શાનદાર વિજય થયો હતો. છેલ્લા 60 વર્ષમાં સ્કોટલેન્ડમાં વેસ્ટમિન્સ્ટર પેટાચૂંટણીમાં પાર્ટીનો આ પ્રથમ વિજય છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડેનોકે જણાવ્યું હતું કે, મેકરફિલ્ડની પેટાચૂંટણી માત્ર એક વ્યક્તિની નોકરી બચાવવા માટે હતી જ્યારે આબેરદિન સાઉથની પેટાચૂંટણી સમગ્ર દેશના ખાસ કરીને તેલ અને ગેસ ક્ષેત્રના હજારો પરિવારોના રોજગાર સાથે સંકળાયેલી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter